વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને હચમચાવી નાખતી એક ગંભીર હત્યાની ઘટના સામે આવી છે. ગોત્રી વિસ્તારમાં ચાની દુકાન નજીક સામાન્ય બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવતમાં યુવરાજસિંહ ડોડિયા નામના યુવક પર ખંજરના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.
ઝોન-2 LCB સ્ક્વોડની સત્વરે કાર્યવાહી, આરોપી ઝડપાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. વડોદરા ઝોન-2 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસની આ ઝડપી અને સચોટ કાર્યવાહીના પરિણામે હત્યાની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલો મુખ્ય આરોપી જય ઉર્ફે ટિંકુ ગણતરીના જ કલાકોમાં પોલીસના સકંજામાં આવી ગયો હતો.
