સાવલી નગરમાં ખાડીયા બજાર, જૂના બસ સ્ટેન્ડ અને વિવિધ સોસાયટીઓમાં ગટર ગંગા વહેતી થઈ છે. નગરમાં આવેલી જશોદા નગરમાં ગટર ઉભરાવા નું ચાલુ છે અને જશોદા નગરમાં ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણી લોકોનાં ઘરમાં પ્રવેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. જશોદા નગરમાં નગર પાલિકાનાં સભ્ય તેમજ સાવલીનાં ડેસર તાલુકા પંચાયત પ્રમુખ પણ આજ સોસાયટીમાં રહે છે તેમ છતાં ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ થતું નથી.


વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી ગટર ઉભરવવાની સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકામાં પ્રજાજનોનું સાંભળનાર કોઈ છે જ નહી તેમ જશોદા નગરનાં રહીશો દ્વારા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પાલિકા પ્રમુખથી લઇ પાલિકાનાં સભ્યોને વારંવાર મૌખિક રજૂઆત કરી તેમ છતાં આંખ આડા કાન કરી રહ્યાં હોઈ તેવું પ્રતીત નગરની પરિસ્થિતિને જોઈને થાય છે. સ્વસ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનનાં સાવલી પાલિકા દ્વારા જાહેરમાં લીરેલીરા ઊડતા જોવા મળી રહ્યા છે. નગરજનોમાં ગટર ઉભરાવાને લઇને મચ્છરજન્ય બીમારી ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. આમ પાલિકા તમામ મોરચે નિષ્ફ્ળ ગઈ હોય તેવું નગરજનો એકી અવાજે ભારે આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે.

ઊભરાતી ગટરોથી સ્થાનિકો હેરાન પરેશાન

વિસ્તારના ચાવડા કોકિલાબેનના જણાવ્યા મુજબ, કોરોના સમયથી ગટરો ઉભરાય છે. અમારે ઘરોમાં રહેવાતું નથી. રોગચાળો ફેલાય તેમ છે. પાલિકાવાળા થઈ જશે થઈ જશે તેવા જવાબો આપે છે. એક બે વાર જોવા આવ્યા હવે કોઈ આવતું જ નથી. અને કોઈ સાંભળતું નથી. જ્યારે અન્ય એક રહીશ અશોક રાણાએ જણાવ્યું હતું કે, 2024થી અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. અમારા વિસ્તારના કોર્પોરેટરને અમે રજૂઆત કરી તો તેઓ જણાવે છે કે, પાલિકા અમારું સાંભળતી નથી. પ્રમુખને રજૂઆત કરી તો થઈ જશે થઈ જશેનો રાગ આલાપે છે. તેમ છતાં કોઈપણ પ્રકારનો નિકાલ થતો નથી. પાલિકાના અણધડ વહીવટને કારણે નગરજનો ત્રાસી ગયા છે.


  • Follow us on: