કરજણના જલારામ નગર વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતા ઈસમને કરજણ પોલીસે ઝડપી પાડી જુદી જુદી કંપનીના ઘરેલું અને કોમર્સિયલ મળી કુલ 92 ગેસના બોટલો, વજન કાંટો સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂા.3,10,830નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


કરજણ નવાબજારની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો રસીદ મુસાભાઇ પટેલ તેના ઘરમાં ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતો હોવાની બાતમી મળતાં કરજણ પોલીસે તેના મકાનમાં રેડ પાડી હતી. પોલીસે મકાનમાં તલાશી લેતાં એક ઇસમ ગેસના મોટા બોટલમાંથી ગેસની 5 કિલોની બોટલમાં ગેસપાઈપ વડે શંકાસ્પદ પ્રવૃત્તી કરતો જણાઈ આવ્યો હતો. જેની પૂછતાછ કરતાં તેણે પોતાનુ નામ રસીદ મુસા પટેલ હોવાનું અને ગેરકાયદે રાંધણ ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં રિફિલીંગ કરતો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તાત્કાલિક ગેસ રિફિલીંગ બંધ કરાવી તેના ઘરમાં રાખેલા ઇન્ડેન ગેસના 15.4 કિલોના ભરેલા 12 અને એક ખાલી સિલિન્ડર, એચ.પી.કંપનીના 14.2 કિલોના 36 ભરેલા અને 19 ખાલી સિલિન્ડર, ભારત ગેસ કંપનીના 14.2 કિલોના 5 ખાલી સિલિન્ડર, સુપર ગેસ કંપનીનો 17 કિલોનો અને કેબસોન કંપનીનો એક-એક ખાલી સિલિન્ડર તથા એચ.પી.ગેસ કંપનીના 19 કિલોના 3 કોમર્સિયલ ભરેલા અને 14 ખાલી સિલિન્ડર તેમજ રેગ્યુલેટર ફ્ટિ કરેલી રીફ્લીંગ કરવાની પાઈપ તથા એક હોર્સ પાવર મોટર, વજન કાંટા મળી કુલ રૂા.3,10,830નો મુદ્દામાલ જપ્ત કરી રસીદ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: