વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન આજે સાવલીના ગરધીયા ગામે રૂ. 27 લાખના વિવિધ કામોનાં ખાતમૂહુર્ત અને શુભારંભ કરાયા હતાં. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન, ગરધીયા ગામ અને આસપાસના ગામના સરપંચો, જિલ્લા તથા તાલુકા પંચાયત સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને ધારાસભ્ય કેતન ઈનામદાર સહિતના મહાનુભાવોના હસ્તે રૂ.17 લાખના 7 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં પાણી પુરવઠા, ગટર લાઈન, તળાવનો ઓવારોનું કામ સહિતનો સમાવેશ થાય છે. જ્યારે રૂ.10 લાખના ખર્ચે નિર્મિત બે કામોનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિકાસ, જનસેવા અને સુશાસનના સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા સંદર્ભની ટૂંકી ફ્લ્મિ વિકાસ રથની એલ. ઈ. ડી. સ્ક્રીન પર બતાવાઈ હતી. તેમજ કાર્યક્રમમાં યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ્સનું કાર્યક્રમ સ્થળે વિતરણ કરાયું હતું.










