વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં લોનના હપ્તા ભરવાની તકરારમાં એક ખાનગી બસ ચાલકની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 9 ઓગસ્ટના રોજ જાંબુઆ ખાતેથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહ મામલે મકરપુરા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરીને હત્યાના ભેદ પરથી પડદો ઊંચક્યો છે.
લોનના હપ્તા ન ભરાતાં ચાલી રહી હતી તકરાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનું નામ રમેશ પવાર હતું અને તેઓ ખાનગી બસ ચાલક તરીકે નોકરી કરતા હતા. તેમની સાથે નોકરી કરતી પૂજા ખડસે નામની મહિલાએ રમેશ પવારના નામે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, પૂજા દ્વારા લોનના હપ્તા નિયમિત ન ભરાતાં રમેશ પવાર અને પૂજા વચ્ચે અવારનવાર વિવાદ અને ઝઘડો ચાલતો હતો.

છાતીમાં સળિયા મારી હત્યા કરી લાશ જાંબુઆ ફેંકી દીધી
આ તકરારનો અંત લાવવા માટે પૂજા અને તેના પતિ હિમાંશુ ખડસેએ રમેશ પવારને મળવા માટે બોલાવ્યા હતા. ત્યાં ઝઘડો ઉગ્ર બનતાં પતિ-પત્નીએ ઉશ્કેરાઈને રમેશ પવારની છાતીમાં લોખંડના સળિયાના ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેઓએ રમેશ પવારના મૃતદેહને જાંબુઆ ખાતે અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.
મુખ્ય આરોપી હિમાંશુ ખડસેની ધરપકડ
ઘટના અંગે ગુનો નોંધી મકરપુરા પોલીસ મથકની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ લંબાવી હતી. મકરપુરા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી પતિ હિમાંશુ ખડસેની ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં સંડોવાયેલી તેની પત્ની પૂજા સામે પણ કાયદાકીય શિકંજો કસ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો