શિનોર તાલુકામાં સરકાર દ્વારા NFSA હેઠળ રેશનકાર્ડ ધારકની ખરાઈ કરવા સસ્પેક્ટેડ ડેટા ઓનલાઇન મૂક્યા છે. તેમાં શિનોર તાલુકાના અંદાજે 5038 રેશનકાર્ડ ધારકોની ઓળખ માટે મામલતદાર શિનોર દ્વારા નોટિસો આપવાની શરૂઆત કરેલ છે. ખોટા રેશનકાર્ડ ધારકોમાં ફ્ફ્ડાટ વ્યાપેલ છે.
શિનોર મામલતદાર દ્વારા પત્ર ક્રમાંક 387 થી 5103 દ્વારા રેશનકાર્ડ લાભાર્થીઓની ખરાઈ કરવા માટે નોટિસો આપવાનું શરૂ કરાયેલ છે. સરકાર દ્વારા સાચા રેશનકાર્ડ ધારકની ખરાઈ કરવા સસ્પેકટેડ ડેટા ઓનલાઈન મૂક્યા છે. તેમાં શિનોર તાલુકામાં કુલ 5038 શંકાસ્પદ માલુમ પડયા છે. ઘણા માલેતુજારો, ફોરવીલ ગાડી રાખનારા, રૂા.15000 ઉપરાંતનો પગાર લેનારા, લાખો રૂપિયાના બંગલા ધરાવનારા અને મોટી ખેતીની જમીન ધારણ કરનારા દ્વારા ખોટી રીતના એન.એફ.એસ.આઇ. યોજનામાં જોડાઈને ગરીબોનું અનાજ ખાઈ રહ્યા છે. પોતે ખાતા હોત તો સારું હતું. પરંતુ દુકાનદાર પાસેથી માલ લઈને તુરત વેચી દેવામાં આવે છે. આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકાર દ્વારા સાચા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોની ખરાઈ માટે તંત્રને જાણ કરેલ છે. તે અંતર્ગત શિનોર મામલતદાર દ્વારા રેશનકાર્ડના નંબર સાથે રેશનકાર્ડ ધારકને નોટિસો આપેલ છે. નોટિસનો ખુલાસો સમય મર્યાદામાં રૂબરૂ હાજર રહીને પુરાવા સાથે મામલતદાર કચેરી શિનોરમાં આપવા જણાવેલ છે. તેમાં ચૂક થશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 માંથી નોન એન.એફ.એસ.એ. કરવામાં આવશે તેમ જણાવેલ છે. આ અગાઉ કેવાયસી કરવાના કારણે ઘણા ખોટા નામો નીકળી ગયા છે. રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવાની પ્રક્રિયાને કારણે ખોટા લાભાર્થીઓને ઓળખી શકાય છે. જોકે હાલમાં નોટિસ માત્ર મોટી ખેતીની જમીન ધરાવનારને આપી હોવાનું નોટિસ પરથી માલુમ પડે છે. પાત્રતા ધરાવતા ના હોવા છતાં સરકારી અનાજ ઓંહીયા કરી જનારામાં ફ્ફ્ડાટ વ્યાપેલ છે.










