નસવાડી તાલુકાના ખેંદા ગામની પ્રસૂતા મહિલાને એક કી.મી. પગપાળા ચાલી ઝોળીમાં નાખીને 108 સુધી સારવાર માટે લાવવાની ફરજ પડી હતી. ડુંગર વિસ્તારમાં 10 વર્ષ અગાઉ બનેલો રસ્તો બિસમાર થતા ઘર સુધી 108 પણ આવી શકતી નથી.


પ્રાપ્ત વિગતો અનુસાર. નસવાડી તાલુકો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે જ્યાં મોટા ભાગના લોકો ડુંગર વિસ્તારમાં વસવાટ કરતા હોય છે નસવાડી તાલુકા ના ડબ્બા,ખેંદા,કુપ્પા,છોટી ઉંમર ગામને જોડતો રસ્તો 10 વર્ષથી વધુ સમય પહેલા બન્યો હતો, ત્યારબાદ આ રસ્તો ખૂબ બિસમાર થઈ ગયો છે જેના કારણે ત્યાં રહેતા સ્થાનિક લોકોને જીવન નિર્વાહ કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે હાલ ખેંદા ગામની એક મહિલા સગર્ભા હોવાથી તેમને પ્રસવની પીડા ઉપડતા 108ને બોલવામાં આવી પરંતુ રસ્તો ખૂબ જ બિસમાર હોવાથી 108 ઘરે સુધી આવી શકી ન હતી જેથી પ્રસુતાને ઝોળીમા નાખીને 108 સુધી લઈ જવાની ફરજ પડી હતી. પ્રસુતાને અન્ય ખાનગી વાહનમાં પણ લઈ જવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ રસ્તો બિસમાર હોવાને કારણે તે ખાનગી વાહન પણ રસ્તા વચ્ચે અટકી જતા મહિલાને લઈ જવા માટે ઝોળી કરવાની ફરજ પડી હતી. 108 દ્વારા દુગ્ધા ગામના આરોગ્ય કેન્દ્રમાં મહિલાને દાખલ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફ્સિરના જણાવ્યા મુજબ હાલ મહિલાની હાલત સારી છે. ઘણા સમયથી રસ્તાનો અભાવ હોઈ સ્થાનિકોની માંગ છે કે રસ્તો વહેલી તકે બને જેથી ત્યાં ના લોકો ને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે !

પાંચ કિ.મી.નો રોડ બનાવવા માટે કોઈ ટેન્ડર ભરતું જ નથી

બિસમાર રસ્તાના કારણે 108 ઘર સુધી ન આવી શકતા ખેંદા ગામની પ્રસૂતા મહિલાને પરિવારજનોએ ઝોળીમા નાખી એક કી.મી. ચાલ્યા બાદ 108 સુધી પહોંચાડી હતી.

નસવાડી તાલુકાના, ખેંદા, છોટી ઉમર, કુપ્પાના પાંચ કી.મી.ના રોડ માટે સરકારમાંથી 2.75 લાખની રકમ મંજૂર થઈ છે, રિસરફેસિંગ રોડ બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર થઈ ગયા પરંતુ પહેલી વખત કોઈ પણ એજન્સી દ્વારા આ ટેન્ડર ભરાયુ ન હતુ, જ્યારે બીજી વખત ટેન્ડર પડયું ત્યારે એક એજન્સી આવી તેથી ટેન્ડર રદ થયુ જયારે ત્રીજી વખત ટેન્ડર પડતું ત્યારે પણ કોઈ એજન્સી ટેન્ડર ન ભર્યું જયારે હાલ ચોથી વખત ટેન્ડર પડયું છે અને નસવાડી તાલુકામાં કામ કરતી એજન્સીઓને ટેન્ડર ભરવા છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીઓને ટેન્ડર ભરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


  • Follow us on: