સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમવાર પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલી 'નવરાત્રી સુરક્ષા એપ'ને નાગરિકો તરફથી ભારે સરાહનીય અને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના આ પ્રયોગથી નવરાત્રી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મોટી સફળતા મળી છે.

27 હજારથી વધુ ડાઉનલોડ્સ અને 600થી વધુ SOS એલર્ટ નોંધાયા

આ એપની લોકપ્રિયતા અને ઉપયોગિતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આખી નવરાત્રી દરમિયાન 27 હજારથી વધુ લોકોએ પોતાના સ્માર્ટફોનમાં આ સુરક્ષા એપ ડાઉનલોડ કરી હતી. આ ઉપરાંત, ઈમરજન્સીના સમયે પોલીસની મદદ મેળવવા માટે આપવામાં આવેલા SOS બટનનો ઉપયોગ કરીને 600થી વધુ એલર્ટ પોલિસ કંટ્રોલ રૂમ સુધી પહોંચ્યા હતા. પોલીસની કંટ્રોલ રૂમ ટીમ દ્વારા દરેક એલર્ટ પર તુરંત જ ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, જેથી નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.

એપની કાર્યક્ષમતા ચકાસવા નાગરિકોએ દબાવ્યું SOS બટન

મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા જ્યારે 600થી વધુ SOS એલર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તેમાં કોઈ મોટી કે ગંભીર અપ્રિય ઘટના બની નહોતી. મોટાભાગના નાગરિકો અને ખેલૈયાઓએ એપ ખરેખર કેટલી ઝડપથી કામ કરે છે અને પોલીસ કંટ્રોલ રૂમનો રિસ્પોન્સ ટાઈમ કેવો છે તે માત્ર ચકાસવા (ટેસ્ટિંગ કરવા) માટે જ આ SOS બટન દબાવ્યું હતું. વડોદરા જિલ્લા પોલીસની આ સફળ પહેલની હવે સમગ્ર રાજ્યમાં પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ચાલતી બસમાં ગર્ભવતી મહિલાને ઉપડી પ્રસૂતિની પીડા, 108ની ટીમ બની દેવદૂત, કઠલાલ હાઇવે પર કરાવી સફળ ડિલિવરી