વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટિવ નોંધાયો છે, 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું છે, 2 મહિનામાં 27 બાળકોએ ચાંદીપુરા વાયરસની સારવાર લીધી છે, અત્યાર સુધીમાં ચાંદીપુરાથી 17 બાળકોના મોત થયા છે, પંચમહાલ અને ગોધરાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશનું બાળક એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.
ચાંદીપુરા વાયરસને લઈ આસપાસના ગામડાના દર્દીઓ આવે છે સારવાર લેવા
નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર વડોદરામાં ગોધરા અને પંચમહાલથી ચાંદીપુરા વાયરસને લઈ બાળકો સારવાર લેવા આવી રહ્યાં છે, રોજના બે થી ચાર દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોને અતિશય તાવ, ઝાડા ઉલટીની ફરિયાદ હોય છે. પરંતુ બાળકોને તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ સમજી ગભરાવવું નહીં.
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
1-સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
2-આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
3-સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
4-સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
5-સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.









