વડોદરામાં આકરી ગરમીથી બે લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે, માંજલપુરમાં પ્રવિણ પરમારનું ગભરામણથી મોત થયું છે અને વેમાલીમાં મયુર પટેલનું ગભરામણથી મોત થયું હોવાની વાત સામે આવી છે, અન્ય 2 લોકોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, તો ગરમીના કારણે આ મોત થયું હોઈ શકે તેવું અનુમાન પોલીસનું છે. સમા વિસ્તારના 40 વર્ષીય અશોક દેવીપૂજકને ગભરામણ બાદ સારવાર હેઠળ ખસેડાયા હતા અને અલકાપુરી વિસ્તારના ટીકા દેવાભાઇને ગભરામણ બાદ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
વડોદરામાં ગરમીનું પ્રમાણ વધતા બેભાન થવાના કિસ્સા વધ્યા
શહેરમાં ગરમીનું પ્રમાણ જેમ-જેમ વધી રહ્યું છે તેમ તેમ બેભાન થવાના અને ગભરામણ થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મળેલા ત્રણ વ્યક્તિ પૈકી બેનાં મોત નીપજ્યાં હત. ત્યારે બુધવારે પણ ગભરામણ થવાના ૪ કિસ્સામાં ૨ વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું હોસ્પિટલના ચોપડે નોંધાયું છે. માંજલપુર જીઆઈડીસી પાસે આવેલ ગંગાબા નગરમાં પરિવાર સાથે રહેતા ૫૭વર્ષીય પ્રવિણભાઈ દયજીભાઈ પરમાર મંગળવારે રાત્રે ઘરે હાજર હતા ત્યારે તેમને એકાએક ગભરામણ થવા લાગતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ગભરામણ બાદ મોત થયું હોવાની પ્રાથમિક માહિતી
બીજા બનાવમાં, મૂળ અમદાવાદના અને હાલ રામા સ્કાય સોસાયટી વેમાલી ખાતે રહેતા પર વર્ષીય મયુરભાઈ રમેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ગતરાત્રે મયુરભાઈ ફ્લેટની લીફ્ટમાં બેસીને નીચે આવતા હતા તે વખતે તેઓને અચાનક છાતીમાં દુખાવો થતા બેભાન થઈને ઢળી પડયા હતા. જેથી સોસાયટીના માણસો એકઠા થઈ જતા મયુરભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમા, સમા રોડ રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા ૪૦ વર્ષીય અશોકભાઈ નટુભાઈ દેવીપૂજક બુધવારે સાંજે તેમના ઘરે હાજર હતા ત્યારે તેમને એકાએક ગભરામણ થવા લાગી હતી. જેથી તેમને પરિવારજનોએ સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડયા હતા.









