વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી ગંભીર વીજ સમસ્યાને પગલે સ્થાનિક રહીશોના ધીરજનો ઘડો આખરે છલકાયો છે. જરોદ ગામના જુદા જુદા વિસ્તારોમાં રોજેરોજ લાઈટના ધાંધીયા થતા હોવાથી ગ્રામજનો ભારે પરેશાન છે. ખાસ કરીને રાત્રિના સમયે જ મોટાભાગે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોવાના આક્ષેપ સાથે ગત રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ના સ્થાનિક સબ સ્ટેશન કચેરી ખાતે મોરચો માંડીને ભારે હોબાળો મચાવ્યો હતો.
અસહ્ય ગરમી-બફારામાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી
હાલ ચોમાસાની શરૂઆત વચ્ચે પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા ભારે બફારાના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં બમણો વધારો થયો છે. વારંવાર વીજળી ગુલ થઈ જવાને કારણે ઘરોમાં નાના બાળકોથી લઈને બીમાર વૃદ્ધો સુધીના તમામ લોકોની હાલત કફોડી બની ગઈ છે અને તેઓ રાતભર ઉંઘી પણ શકતા નથી. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં, રોષે ભરાયેલા ગ્રામજનોએ સબ સ્ટેશન પર હાજર એમજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને કાયમી ઉકેલની માંગ કરી હતી.













