સેન્ટ્રલ GST વિભાગ દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવા અને કામગીરીને વધુ સુગમ બનાવવા માટે એક ખાસ સેમિનારમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્ટ્રલ GSTના DGTS શૈલેન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ સેન્ટ્રલ GST ઝોન હેઠળ ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાંથી ઉદ્યોગો તરફથી પ્રતિ માસ રૂ. 2 લાખ કરોડ જેટલું મસમોટું GST કલેક્શન પ્રાપ્ત થાય છે, જે દેશની આર્થિક પ્રગતિમાં ઉદ્યોગોના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.
'સરકાર આપને દ્વાર' ધ્યેય અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ
કેન્દ્ર સરકાર દેશમાં વેપાર-ઉદ્યોગ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવવા માટે નિરંતર કાર્યરત છે. PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ ઉદ્યોગો દેશમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને GST વિભાગ 'સરકાર આપને દ્વાર'ના ધ્યેય સાથે કામ કરી રહ્યો છે. વેપારીઓ તથા ઉદ્યોગકારોની સુવિધા માટે તમામ GST સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ કરદાતાઓની અનુકૂળતા માટે GSTમાં EMI સ્કીમ જેવી સરળ સુવિધાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.
