સંખેડા બોડેલી તાલુકામાં સરકાર દ્વારા નક્કી કરેલા રૂા.8060 ક્વિન્ટલના ટેકાના ભાવથી કપાસના વેચાણ માટે અંદાજિત 41 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સંખેડા તેમજ બોડેલી તાલુકામાં જે વિસ્તારમાં કમોસમી માવઠાની અસર ઓછી છે. ત્યાં કપાસ ફાટવાની શરૂઆત થયું છે. તેવા વિસ્તારમાં ખેડૂતોએ કપાસ વીણવાનું શરૂ કરી દેવાતા જીનોમાં કપાસની આવક ચાલુ થઈ છે.


સંખેડા બોડેલી તાલુકામાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદી ચાલુ ન કરાતા ખેડૂતોને બજારમાં ઓછા ભાવે કપાસ વેચવા માટે મજબૂર બન્યા છે. સીસીઆઈનો ટેકાનો કપાસનો ભાવ રૂા. 8060 પ્રતિ ક્વીન્ટલ નક્કી કરાયા છે. કપાસની આવક શરૂ થતાં જિન માલિકો ખેડૂતો પાસેથી પાંચથી 7 હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવથી કપાસની ખરીદી કરી રહ્યાં છે. જેમાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે કપાસની ખરીદી 5000થી 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી કરતા હોવાનું જિન માલિકો જણાવી રહ્યા છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવામાં માટે સંખેડા-બોડેલી તાલુકામાં અંદાજિત 41 હજાર જેટલા ખેડૂતોએ ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વેપારીઓ અને સીસીઆઈ દ્વારા કરાર ન થતાં ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવતા હાલત કફોડી બની છે.

બોડેલી, હાડોદ અને કલેડિયા ખાતે ઓનલાઇન નોંધણી

બોડેલી ખાતે 1555, હાડોદ ખાતે 17777 અને ક્લેડિયા સેન્ટર ખાતે 11559 આમ કુલ 40,891 ખેડૂતોએ ટેકાના ભાવથી કપાસના વેચાણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયા છે. વેપારીઓએ ટેન્ડર ભર્યા છે. પણ હજુ સુધી કરાર થયા નથી. એટલે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદી ચાલુ કરાઇ નથી. - અજીત ભગત, બોડેલી APMC સેક્રેટરી

વેપારીઓ દ્વારા રૂા.1350 પ્રોસેસિંગ ચાર્જ ફી કરવા માગ

આગલા વર્ષે જિનિંગ પ્રોસેસિંગ ચાર્જ 935 રૂપિયા આપ્યો હતો આ વર્ષે 1050 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જની ઓફર કરાઇ છે. પણ વેપારીઓ દ્વારા પ્રોસેસિંગ ફી 1350 રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જેથી હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા ટેકાના ભાવથી કપાસ ખરીદી ચાલુ કરવામાં આવી નથી. હાડોદ સેન્ટર ખાતે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે 1100 ખેડૂતો એપ્રુવલ થયા છે. - સુનિલ બંબોલે, સીસીઆઈ અધિકારી

ગુજરાતમાં CCIનાં ટેકાના ભાવ ઓછા

તેલંગાણા રૂા.1450, કર્ણાટક રૂા.1337, મહારાષ્ટ્ર રૂા.1311, મધ્યપ્રદેશ રૂા.1235 જીનિંગ પ્રોસેસીંગ ચાર્જ ચૂકવાઇ રહ્યો છે. જ્યારે ગુજરાત રૂા.1050ની ઓફર કરાઇ છે. રાજ્યની તુલનામાં ઓછી હોવાને કારણે સૌરાષ્ટ્ર કોટન જીનિંગ એસો., મધ્ય ગુજરાત કોટન જીનિંગ એસો. દ્વારા 1350ના ભાવે ટેન્ડર ભર્યાં છે. જે ભાવથી કરાર ન થતાં CCIદ્વારા ખરીદી શરૂ કરાઇ નથી.


  • Follow us on: