છોટાઉદેપુર જિલ્લામાંથી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને પકડી વાઘોડિયા લાવનાર LCBના સ્ટાફની કામગીરી સામે એક PI એ મોડી રાતે રોષ ઠાલવ્યો હતો. જોકે, ત્યારબાદ એલસીબી અને સ્થાનિક પોલીસે પ્રોહિબિશનના બે કેસ નોંધી મામલો રફેદફે કર્યાની ચર્ચા છે.
જિલ્લામાં નવા SP એ કામગીરી માંગતા LCBના સ્ટાફે દારૂનો કેસ કરવા હદ બહાર હાથ લબાવ્યા છે. જે અંતર્ગત એજન્સીનો સ્ટાફ ગત રાતે છોટાઉદેપુર જિલ્લાની હદમાં પહોંચ્યો હતો. જ્યાં ટુ વ્હીલર પર દારૂની હેરાફેરી કરતા ચાર શખસોને મુદ્દામાલ સાથે પકડી વાઘોડિયા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. આ કેસ વાઘોડિયાનો ન હોવાથી આરોપીઓને અત્રે કેમ લવાયા ? તેવા સવાલો એજન્સીના સ્ટાફને કરવામાં આવ્યાં હતાં. આ મામલે એક તબક્કે પીઆઇએ સ્ટાફના માણસો પર રોષ પણ ઠાલવ્યો હતો. જોકે, એલસીબીએ કરેલા કેસમાં બતાવાયું હતું કે, બોડેલી તરફથી મોટી માણેકપુર થઈ નર્મદા કેનાલ તરફ જતા વાહન પર કાળા પોટલા જેવું હોવાથી પીછો કર્યો હતો. જે બાદ બંને કેનાલ બ્રિજથી ત્રિક્રમપુરા તરફ ભાગેલ અને નાળા પાસે સ્કૂટર છોડીને ભાગ્યા હતાં. પીછો કરી કિરણ બાલુ તોમર અને સંતોષ ધનજીયા જમરા (બંને રહે. MP)ને ઝડપી લેવાયા સાથે રૂા.1 લાખના દારૂ, બે વાહન અને બે ફોન મળી કુલ રૂા.2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ, વાઘોડિયા પોલીસે નોંધેલા ગુનાની વિગત મુજબ, મોટી માણેકપુર નર્મદા કેનાલ પાસે નાકાબંધીમાં બોર્ડલી તરફથી બે એક્ટિવા ચાલક આગળના ભાગે પોટલા લઈને જતા હતાં. રોકવાનો પ્રયાસ કરતા કેનાલ પાસે એક્ટિવા મુકી બંને ભાગ્યા હતાં. જે પૈકી રોડ પર પડી જનાર નરેશ રામસીંગભાઇ તોમર (રહે.MP) પાસે રૂા.1.01 લાખનો દારૂ અને બે વાહન સાથે રૂા.2.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે ફરાર નીમજી ડુંગરાભીલ (રહે.MP) સામે પણ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વાઘોડિયામાં નોંધાયેલા દારૂના કેસ પરથી બોર્ડરથી છો.ઉદેપુરમાં ધમધમતી લાઈનો પર્દાફાશ થયો છે.










