શહેરમાં દિવાળીના તહેવાર વચ્ચે ઠેરઠેર ગંદકીના કારણે સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડયાં છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જતાં ઈન્દીરાનગર બ્રિજ પાસે નવી ડંમ્પિગ સાઈટ ઉભી થઈ હોઈ તેમ કચરાના ઢગલે-ઢગલાં થઈ ગયા છે. અહીં જાહેરમાં કચરો પણ સળગાવવામાં આવતા હોવાથી આસપાસના રહિશો પણ ત્રસ્ત બન્યાં છે.


કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોમ્બર સુધી 'સ્વચ્છતા હી સેવા-2025' પખવાડિયાનું આયોજન કરાયું હતું. તેમજ રાજ્ય સરકારે નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા તા.17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોમ્બર સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરાયું છે, પરંતુ આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, સ્વચ્છતા અભિયાનના શરૂઆતના દિવસોમાં નેતાઓ અને અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડીને ફોટો સેશન કરાવી લીધા બાદ સ્વચ્છતા બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.આ માટે કોર્પોરેશનના અધિકારીઓ પણ તેટલા જ વામણા પૂરવાર થયા છે. પરિણામે સ્વચ્છતા ઝુંબેશના ધજાગરા ઉડી રહ્યાં છે. તેમાંય વૉર્ડ નં.7માં સમાવિષ્ટ કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જતાં મુખ્ય માર્ગ પર તો રીતસર ડંમ્પિગ સાઈટ ઉભી થઈ ગઈ છે. અહીં કચરાના મોટા ઢગલાં થઈ જતાં દુર્ગધના કારણે આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આટલું ઓછું હોઈ તેમ જાહેરમાં જ કચરો સળગાવવામાં આવતો હોવાથી વિસ્તારમાં પ્રદુષણની માત્રા વધી છે. તદ્દઉપરાંત અહીં રોડની બંને બાજુએ દબાણકર્તાઓએ કબજો કરી લીધો છે. રાતે નોનવેઝની લારીઓ રોડ પર આવી જાય છે. જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. જેનું નિરાકરણ લાવવામાં તંત્રને કોઈ રસ હોઈ તેવું દેખાતું નથી. હાલ માત્ર નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના રોડ શોના રૂટ અને કાર્યક્રમના સ્થળે સફાઈ અભિયાનની સાથે પેચવર્ક કરાઈ રહ્યું છે. કારણ કે, કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે.


  • Follow us on: