વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે વેપારી આશિષ બોકાલિયા પર થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલવામાં વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. આ ચકચારી મામલે રેન્જ આઈજીપી (IGP) સંદીપ સિંહે સત્તાવાર નિવેદન આપી સમગ્ર કાવતરા પરથી પડદો ઊંચક્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક તપાસના અંતે છત્તીસગઢથી બે રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શૂટરોની ઓળખ ગુરુજીતસિંહ ભઠ્ઠી અને વિક્રમ સિંઘ તરીકે થઈ છે. આ બંને રીઢા ગુનેગારોએ વડોદરામાં આવીને આશિષ બોકાલિયા પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા.
ફિજી દેશમાં થયેલી અંગત તકરાર બની હુમલાનું કારણ
ભોગ બનનાર આશિષ બોકાલિયા અગાઉ 'ફિજી' (Fiji) દેશમાં આવેલી દયાલ સ્ટીલ કંપનીમાં નોકરી કરતો હતો. આ જ કંપનીમાં આરોપી વિક્રમ સિંઘ પણ તેની સાથે જ નોકરી કરતો હતો. ફિજીમાં નોકરી દરમિયાન આશિષને કંપનીના માલિક જય દયાલ સાથે કોઈ ગંભીર તકરાર થઈ હતી, જેના કારણે આશિષ ભારત પરત ફર્યો હતો. આ બાબતની અદાવત રાખીને કંપની માલિક જય દયાલે આશિષને પતાવી દેવા માટે વિક્રમ સિંઘને રૂ. 2.70 લાખની સોપારી આપી હતી. સોપારી મળતા જ વિક્રમ સિંઘ આશિષની હત્યા કરવાના ઈરાદે ભારત આવ્યો હતો.
