ચોમાસુ હોવાથી સતત વરસાદને કારણે ડામરના રોડ ઉપર પાણી ભરાઈ રહે એટલે માર્ગ ઉપર ખાડા પડે તે વાત હવે છેવાડાનો નાનામાં નાનો નાગરિક પણ જાણે છે. પરંતુ ખાડા પડયાં બાદ તેને એક બે અથવા 15 દિવસે પણ પૂરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની રહેલી છે.
માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓની આ માર્ગ ઉપર સતત મોનિટરિંગ રહે છે. તો શું તેઓને માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડા દેખાતા નથી. માર્ગ ઉપર પડેલા અસહ્ય ખાડાને કારણે સ્થાનિક લોકોની સહનશક્તિ હવે ખૂટી પડી છે. કારણ કે, દિવસ દરમિયાન આ માર્ગ ઉપરથી વારંવાર અવરજવર કરવી પડે છે. માર્ગ ઉપર એટલી હદે ખાડા પડેલા છે. પોતાનું વાહન જ્યારે ખાડામાં પછડાય છે. ત્યારે સ્થાનિક નેતાઓ સહિત સરકારી તંત્રને નામ લઈને વાહન ચાલકો મોડું મચકોડીને ફ્ટિકારની લાગણી વરસાવે છે.
માત્ર ડેસરથી વાલાવાવ અને વેજપુર 7 કિ.મીના અંતરમાં હજારો કહી શકાય તેટલા ખાડા પડેલા છે. મોટા વાહનો પોતાનું વાહન સાચવીને ધીરેથી કાઢે છે. છતાં ખાડામાં તેઓનું વાહન પછડાય છે. નાના વાહનો ખાડામાં પડે છે. ત્યારે નીચે માર્ગ અડી જાય છે. ધડાકાભેર પછડાય છે. સ્થાનિકોથી માંડીને રોજબરોજ અવર-જવર કરતા ક્વૉરી સંચાલકો પણ માર્ગથી ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. રાજ્યનો મોટામાં મોટો ક્વૉરી ઉધોગ ઉદલપુર ખાતે આવેલ છે. રોજ હજારો ડમ્પરો ફેરા મારતા હોય છે. તેઓના વાહનો ખાડાને કારણે માર્ગ ઉપર ખોટકાઈ પડે છે. અને લાખો રૂપિયાનુ નુકસાન થાય છે. ક્વૉરી સંચાલકો રાજ્ય સરકારની દૂધણી ગાય છે. કારણ કે, લાખો રૂપિયાની રોયલ્ટી ઇન્કમ સરકારને રોજબરોજ મળે છે. છતાં માત્ર મજબૂત ખાડા પુરવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
માર્ગ અને મકાન વિભાગનું જ્યારે પણ ખાડા બાબતે ધ્યાન દોર્યું છે. ત્યારે ખાડા તો પુરવામાં આવ્યા છે. પરંતુ સિસ્ટમ પ્રમાણે નથી પુરાતા. તેના કારણે માત્ર ચાર દિવસમાં પુનઃખાડા પડી જાય છે. વહેલી તકે રોલિંગ કરીને મજબૂત રીતે ખાડા પૂરવામાં નહીં આવે અને જાનહાનિ થશે તો, તેનો જવાબદાર કોણ હશે ?