સંખેડા -ગોજપુર માર્ગ ઉપર અનેક ઠેકાણે દરવર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનાઓ બને છે. છતાં પણ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવા વહીવટી તંત્ર ઉદાસીનતા સેવી રહ્યું છે. સંખેડા - ગોજપુર માર્ગ બોડેલી તાલુકાને તેમજ જિલ્લા મથકને જોડતો મુખ્યમાર્ગ છે. આ માર્ગનું વરસાદી પાણીથી ધોવાણ થતાં ઠેર-ઠેર ખાડા પડયાં છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાથી માર્ગ ઉપર ખાબોચિયા ભરાઈ રહે છે. જેના કારણે વાહનચાલકો, સ્થાનિક દુકાનદારો તેમજ સ્કૂલ કોલેજમાં અભ્યાસ માટે આવતા બાળકોને તેમજ સરકારી કામકાજ માટે આવતા લોકો પરેશાન થઈ રહ્યાં છે.
સંખેડા - ગોજપુર માર્ગનું વરસાદના કારણે ધોવાણ થતાં ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે. જેના કારણે માર્ગ ઉબડખાબડ બન્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય કામગીરી ન કરાતા સમસ્યા સર્જાય છે. જેના કારણે માર્ગને નુકશાન થવાથી ઠેર-ઠેર વરસાદના પાણી માર્ગ ઉપર ભરાઈ જવાની ઘટનાઓ બને છે.










