પાવીજેતપુર નજીક નેશનલ હાઇવે નંબર 56 ઉપર રૂા.4 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા પુનઃ વન કુટીરથી રંગલી ચોકડી થઈ બોડેલી ડાયવર્ઝન ચાલુ કર્યું છે. જે રસ્તો ખખડધજ અને નર્કાગાર બન્યો છે.
હાલની સરકાર છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરી રહી છે. ત્યારે પાયાની જરૂરિયાત ગણાય તેવા રસ્તા,નાળા કે, પુલની સુવિધા જ આપી શકતી નથી. બે વર્ષ જેટલા સમયથી નેશનલ હાઇવે નં.56 ઉપર સિહોદ પાસે પુલ તૂટી ગયો હોય તેના સ્થાને પાકુ ડાયવર્ઝન પણ બનાવી શક્યા નથી. રૂા.4 કરોડનું જ્યારે ડાયવર્ઝન બનતું હતું. ત્યારે સામાન્ય માણસને પણ દેખાતું હતું કે, પાણીનું વહન વધશે તો આ ડાયવર્ઝન ટકી શકશે નહીં. તેથી જે તે સમયે લોકોએ માંગ કરી હતી કે, સિહોદ ડાયવર્ઝન ધોવાઈ જાય તો વન કુટીરથી રંગલી ચોકડી થઈ બોડેલીનુ જે ડાયવર્ઝનનો જ ફરી ઉપયોગ કરવો પડશે. તેથી આ રસ્તાને વ્યવસ્થિત રીતે રીપેર કરી દેવામાં આવે, પરંતુ મગરમચ્છની ચામડી ધરાવતા તંત્રને કાને આ વાત ન પહોંચતા ખખડધજ થયેલ રસ્તો નર્કાગાર બન્યો છે. પાવીજેતપુર વન કુટીરથી ખખડધજ રસ્તાની શરૂઆત થઈ જાય છે. રતનપુરનો પુલ ઉતરીએ ત્યાંથી જ એટલા મોટા ખાડા છે કે, બાઈકચાલક પણ તે ખાડામાંથી બાઇકને પડતા બચાવી શકતા નથી. ચોમાસામાં પાણી ભરાઈ રહેતા આ રસ્તા ઉપર ક્યાં ખાડો છે તે પણ ખબર પડતી નથી. વન કુટીરથી રંગલી ચોકડી થઈ બોડેલીના ડાયવર્ઝનનું અંતર 28 થી 30 કિ.મી.નું થાય છે. પરંતુ તંત્રની મહેરબાનીથી નર્કાગાર બનેલા રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. તંત્રે આ રસ્તાઓની બરાબર મરામત કરાવી ન હોવાને કારણે લોકોને ડુંગરવાંટ, વાંકી, સિહોદ થઈને બોડેલી જવું પડે છે. વાંકીથી સિહોદનો રસ્તો પણ ધીમેધીમે વધુ ખરાબ થઈ રહ્યો છે. તેથી લોકો પાવી જેતપુરથી ડુંગરવાટ, જાંબુઘોડા થઈ બોડેલી જઈ રહ્યાં છે. જેમાં 12 કિલોમીટર અંતર વધીને 40 કિલોમીટર જેટલું થઈ જાય છે. તંત્ર દ્વારા કોઈપણ નક્કર કામગીરી કરવામાં ન આવતા તંત્ર પ્રત્યે લોકો આક્રંદ કરીને રોષ ઠાલવી રહ્યાં છે. ચોમાસામાં નવીન રસ્તો ન બનાવી શકાય એ સ્વાભાવિક વાત છે. પરંતુ રોડ ઉપર પડી ગયેલા ખાડાઓમાં કપચી, નાની કપચી, મોરમ નાખીને પુરવામાં આવે તો જનતાને કંઈક રાહત થઈ શકે તેમ છે. તો શું તંત્ર આ કામગીરી કરશે ખરું ? આવા વેધક સવાલો જનતામાં ઊઠી રહ્યાં છે.










