વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બેફામ અને બેદરકાર વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે અમરાપુર ગામ નજીક એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. નોકરી પરથી પોતપોતાના ઘરે પરત ફરી રહેલા બે આશાસ્પદ યુવાનોને એક ડમ્પરચાલકે કાળનો કોળિયો બનાવી લીધા હતા. આ ભયાનક અકસ્માતના કારણે મૃતક યુવાનોના પરિવારજનોમાં ભારે શોક અને વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

ઓવરટેકિંગ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો

સાવલીના અમરાપુર નજીકથી પસાર થઈ રહેલા ડમ્પરચાલકે ગફલતભરી રીતે ઓવરટેકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઓવરટેકિંગ દરમિયાન ડમ્પરે સામેથી આવી રહેલા યુવાનોની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રાતડીયા ગામના બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ અથવા ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યા હતા.

અકસ્માત સર્જી ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર

અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી ડમ્પરચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ફરાર ડમ્પર અને તેના ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો