વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કંબોલા ગામ નજીક આવેલી તિરુપતિ રીલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનરના ચાલકે બેફામ લાપરવાહી દાખવીને વાહન રિવર્સ લેતી વખતે પૂરપાટ બાઈકને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે.
રિવર્સ લેતી વખતે કન્ટેનરે બાઈકને કચડી નાખી, બાળક ઇજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, કન્ટેનર ચાલકે પાછળ જોયા વગર જ અચાનક કન્ટેનર રિવર્સ લેતા તેની અડફેટે બાઈક આવી ગઈ હતી અને બાઈક પર સવાર લોકો નીચે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે નિર્દોષ વ્યક્તીઓનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં જ '112 જનરક્ષક' ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીથી લથપથ હાલતમાં પડેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
