વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 6 અને 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર 29 ઓક્ટોબરે યોજાવાનું હતું, પરંતુ શાળા દ્વારા એક દિવસ અગાઉ એટલે કે આજે જ પરીક્ષા લઈ લેવામાં આવી હતી. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગે સમગ્ર જિલ્લામાં ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

200થી વધુ વિદ્યાર્થીઓએ આપી દીધી પરીક્ષા

મળતી વિગતો મુજબ, સાવલીની કેજેઆઈટી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સમાં ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આજે લેવામાં આવી હતી. હકીકતમાં આ પરીક્ષા આવતીકાલે 29 ઓક્ટોબરે યોજાવાની હતી.

સમયપત્રકના ભંગ બદલ ગંભીર સવાલો

શાળાના આ પગલાથી પરીક્ષાના સમયપત્રકના ભંગ બદલ ગંભીર સવાલો ઊભા થયા છે. 200થી વધુ વિદ્યાર્થીઓએ અગાઉથી જ પેપર આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, કેજેઆઈટી દ્વારા ધોરણ 6 અને 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર આજે લેવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં પરીક્ષા આવતીકાલે યોજાવાની હતી. આજે લેવાયેલી પરીક્ષા રદ ગણાશે અને આવતીકાલે આ વિષયની પરીક્ષા લેવામાં આવશે નહીં. સમગ્ર જિલ્લામાં ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 નવેમ્બરે ફરી પરીક્ષા યોજાશે

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 2 નવેમ્બર 2026ના રોજ યોજાશે. પરીક્ષાનું પેપર એ જ વિષયનું રહેશે, પરંતુ બદલાયેલા પેપર સાથે વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવાની રહેશે.

શાળા સામે કડક કાર્યવાહી થશે

શાળાની ક્ષતિને ગંભીરતાથી લેતાં શિક્ષણ વિભાગે તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. પરીક્ષાના સમયપત્રકનું પાલન ન થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા ઊભી થઈ છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. ૉ


આ પણ વાંચો :  New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું