વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતાં શ્વાનના આતંકે ભારે અરેરાટી ફેલાવી દીધી છે. ગઈકાલ સાંજથી લઈને આજ સવાર સુધીમાં એક રખડતાં શ્વાને 15થી વધુ નાના બાળકોને બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધા છે. પંચવટી ગાર્ડનમાં રમતા 2 વર્ષના બાળક પર, અંબાજી મંદિર પાસે 3 વર્ષની બાળકી પર, મુખ્ય બજારની કરિયાણા દુકાન બહાર 5 વર્ષના બાળક પર તથા સરદારનગરમાં ઘર બહાર રમતી 5 વર્ષની માસૂમ બાળકી પર શ્વાને કરપીણ હુમલો કરી તેમને શિકાર બનાવ્યા હતા. આ ઘટનાઓને પગલે સમગ્ર ગામના વાલીઓમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.
ઈજાગ્રસ્ત બાળકો PHC ખાતે સારવાર હેઠળ
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ માસૂમ બાળકોને તાત્કાલિક સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા બાળકોને ARV અને TT ની વેક્સિન આપવા સાથે ડ્રેસિંગ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે, ગ્રામજનોનું કહેવું છે કે આ તો માત્ર ઈલાજ છે, કાયમી નિવારણ નથી. સરપંચ અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત અને ફરિયાદો કરવા છતાં શ્વાનને પાંજરે પૂરવા માટે હજુ સુધી એકપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

