વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા સાંધા ગામે ચોરીની એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ એક ગરીબ શ્રમજીવી પરિવારના વાડા (અડારા) માં પ્રવેશીને દોરડા કાપીને કુલ 22 જેટલા બકરા-બકરીઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર સાંધા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે.

Goat theft in Sandha village of Shinor, Vadodara

ગરીબ શ્રમજીવી પરિવારની આજીવિકા પર ત્રાટક્યા તસ્કારો

પડતર કિંમત અને બજાર ભાવ મુજબ ચોરી થયેલા 22 બકરાંની કિંમત અંદાજે રૂ.1.5થી રૂ.2 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. પશુપાલન અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવાર માટે આ અચાનક આવેલી મોટો આઘાત છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં પશુઓની ચોરી થઈ જતાં પીડિત પરિવાર નિરાધાર બની ગયો છે અને પશુધનની ચોરી કરનાર તસ્કરોને વહેલી તકે પકડવાની માંગ કરી રહ્યો છે.

Goat theft in Sandha village of Shinor, Vadodara

પોલીસની નિષ્ક્રિયતા અને ગ્રામ્ય પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો

ઘટના અંગે સાંધા ગામના સરપંચ દ્વારા સેગવા પોલીસ ચોકી ખાતે તુરંત જ જાણ કરવામાં આવી હતી. આમ છતાં, બપોર સુધી પોલીસ બનાવ સ્થળે તપાસ અર્થે ન પહોંચતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 22 જેટલાં પશુઓની ખુલ્લેઆમ ચોરી થવા છતાં પોલીસની આવી નિષ્ક્રિયતા કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગની નબળી કામગીરી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ ગંભીર સવાલો ખડા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો