વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શિનોર પંથકના સાધલી, માલસર અને દામાપુરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, જ્યાં સિઝનનો કૂલ 29.5 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ તરફ વાઘોડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. બીજી તરફ ડેસર તાલુકાના છાલીયેર, સિહોરા, સાઢાસાલ, વાલાવાવ, વેજપુર, પાંડુ મેવાસ, વરસડા અને ઉદલપુર સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબકતાં માર્ગો પર પાણી વહેતા થયા છે.

સુકાતા પાકને પાણી મળતાં ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો
છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લામાં પડી રહેલી ગરમી અને અસહ્ય ઉકળાટથી હેરાન-પરેશાન થઈ ગયેલા સ્થાનિક નાગરિકોને વરસાદી છાંટા અને પવનના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થતાં સુકાવાની આરે પહોંચેલા ખેતીના પાકોને નવું જીવતદાન મળ્યું છે. મેઘમહેર થતાં જ જિલ્લાના ધરતીપુત્રોમાં ભારે હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાઘોડિયાના માળોધર રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન
એક તરફ વરસાદથી ખુશીનો માહોલ છે ત્યારે બીજી તરફ વાઘોડિયામાં પ્રશાસનની બેદરકારી પણ સામે આવી છે. વાઘોડિયા સ્થિત ડોક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે અને મુખ્ય માળોધર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદે પાણીના નિકાલની પ્રી-મોન્સૂન કામગીરી માટે પૂરતો સમય આપ્યો હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો