ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારે જર્જરિત સરકારી ઈમારતો ખાલી કરીને અન્યત્ર સલામત સ્થળે સ્થળાંતર કરવા આદેશ કર્યો છે, ત્યારે નર્મદાભવન બિલ્ડીંગમાં કાર્યરત સ્ટેમ્પ ડયુટીની ઓફિસ દિવાળાપુરા ખાતેની નવી કલેક્ટર કચેરીમાં ખસેડાઈ હતી.
પાદરા - આણંદને જોડતાં ગંભીરા બ્રિજના બે ગાળા તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડયાં હતા. જેમાં 21 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ઘટના બાદ તંત્રની સાથે સરકારની માથે પણ માછલા ધોવાયા હતા. જેથી રાજ્ય સરકારે તાત્કાલીક અસરથી જર્જરિત સરકારી ઈમારતોમાંથી કચેરીઓ ખાલી કરી અન્ય સલામત સ્થળે ખસી જવા આદેશ કર્યો છે. જેના કારણે કોઠી કચેરી, કુબેરભવન અને નર્મદાભવનમાં કાર્યરત કચેરીઓમાં કામ કરતાં અધિકારીઓએ નવી ઓફિસો શોધવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત આજે સ્ટેમ્પ ડયુટીની ઓફિસ ખાલી કરી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરીમાં ખસેડાઈ હતી. જેમાં અધિક નોંધરી સર નિરીક્ષક, નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડયુટી વિભાગ-1 અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયુટી વિભાગ -2નો સમાવેશ થાય છે. ખાસ કરીને I.B., A.C.B., C.I.D. ક્રાઈમ, નશાબંધી, ના. શ્રમ આયુક્તની કચેરીના અધિકારીઓને નવી જગ્યા શોધવામાં ફાંફા પડી ગયા છે.










