તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ મીઠાઈ પ્રેમીઓ માટે મીઠાશ મોંઘી બનવા લાગી છે. પહેલા ખાંડના ભાવમાં ભારે ઉછાળો આવતા મીઠાઈ ઉત્પાદકોના ખર્ચમાં વધારો થયો હતો અને હવે ડ્રાયફ્રૂટના ભાવ પણ વધતાં વેપારીઓ પર જાણે પડતા પર પાટુ પડ્યું છે.
મીઠાઇના ભાવ વધ્યા
હાલ ખાંડ, કાજુ, બદામ, પિસ્તા સહિતની મીઠાઈ બનાવવામાં વપરાતી મુખ્ય ચીજવસ્તુઓ મોંઘી થતાં આગામી દિવસોમાં મીઠાઈના ભાવ પ્રતિ કિલો 100થી 200 સુધી વધી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાના મીઠાઈ વેપારીઓએ તાત્કાલિક મોટા ભાવવધારાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
હવે ડ્રાયફ્રૂટે પણ વધારી મુશ્કેલી
ખાંડના વધેલા ભાવથી વેપારીઓ પહેલેથી જ પરેશાન હતા ત્યાં હવે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો થતાં તહેવારી સિઝન પહેલાં ખર્ચનું ગણિત ખોરવાઈ ગયું છે. તાજેતરના બજાર અહેવાલો મુજબ બદામ, પિસ્તા અને કાજુના ભાવમાં વિવિધ બજારોમાં છેલ્લા 15 દિવસમાં 100થી 300 પ્રતિ કિલો સુધીનો વધારો નોંધાયો છે. ઓછી આવક, આંતરરાષ્ટ્રીય સપ્લાય પર અસર અને વધેલા પરિવહન ખર્ચ સાથે તહેવારો પૂર્વેની વધતી માંગે ભાવ પર દબાણ વધાર્યું છે.

કાજુ કતરીના ભાવ 1200 રુપિયે પહોંચ્યા
વેપારીઓના જણાવ્યા પ્રમાણે કાજુ કતરી જેવી લોકપ્રિય મીઠાઈ પર સૌથી વધુ અસર પડી રહી છે. અગાઉ આશરે 800 પ્રતિ કિલોના ભાવે મળતી કાજુ કતરીના ભાવ કેટલાક સ્થળોએ 1,200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માવો, કાજુ, બદામ અને અન્ય ડ્રાયફ્રૂટના ભાવમાં સતત વધારો થતો રહેશે તો ગણેશોત્સવથી લઈને દિવાળી સુધી મીઠાઈના ભાવમાં વધુ વધારો કરવો અનિવાર્ય બની શકે છે.
ભાવ વધારીએ તો ગ્રાહક દૂર ભાગશે
મીઠાઈ વેપારીઓ સામે હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધેલા કાચા માલનો ખર્ચ ગ્રાહકો સુધી પહોંચાડવો કે પછી પોતાનું માર્જિન ઘટાડીને જૂના ભાવ જાળવી રાખવા. વેપારીઓને આશંકા છે કે મીઠાઈના ભાવમાં મોટો વધારો થશે તો ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર પડશે અને તહેવારો દરમિયાન વેચાણ ઘટી શકે છે. વેપારીઓમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીની મુખ્ય તહેવારી સિઝનમાં વેચાણમાં મોટો ઘટાડો થઈ શકે છે.
સરકારને ખાંડના ભાવ નિયંત્રણ માટે અપીલ
ગુજરાત મીઠાઈ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ રાધેશ્યામ શાહે સરકારને ખાંડના ભાવ નિયંત્રણ માટે વધુ અસરકારક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે ખાંડની નિકાસ અને ઇથેનોલ માટેના ઉપયોગના મુદ્દે પણ સરકારને નીતિ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. હાલ ડ્રાયફ્રુટ ના ભાવ વધતા જે કાજુ કતરી 800 રૂપિયે કિલો હતી તેના ભાવ 1200 થયા છે. અને માવાની મીઠાઈ પર ભાવ 100 સુધી વધ્યા છે.તેમણે કહ્યું કે રક્ષાબંધનનો મોટો તહેવાર છે. મીઠાઇ તેમાં અવશ્ય હોય પણ ખાંડના ભાવમાં અતિશય વધારો થયો છે. જેથી મીઠાઇના ભાવ વધારવાનો સમય આવી ગયો છે. ખાડી યુદ્ધના કારણે ડ્રાયફૂટ મોંઘું થયું છે. ઘણી આઇટમોમાં 40 ટકા ભાવ વધારો થયો છે તેથી ડ્રાયફૂટની મીઠાઇમાં 40 ટકા ભાવ વધારો થયો છે. માવાની મીઠાઇમાં પણ ભાવ વધ્યો છે. કાજુ કતરીની ખુબ ડિમાન્ડ છે પણ તેમાં 30થી 40 ટકા ભાવ વધ્યો છે. તે કાજુ કતરી સાડા સાતસો રુપયા હતી તે 1 હજારનો ભાવ થયો છે.ઘણી જગ્યાએ 1200 રુપિયાનો ભાવ છે. માવાની મીઠાઇ 300થી 400 રુપિયા હતી તે 600 રુપિયા થઇ ગઇ છે.
ભાવ તો વધારવો જ પડશે
નવલ પોથીવાલા નામના વેપારીએ કહ્યું કે કેટલાક ફરસાણ અને મીઠાઇમાં ખાંડનો ઉપયોગ થાય છે. હાલ અમે વડોદરામાં વેપારીઓને વિનંતી કરી છે કે રક્ષાબંધનમાં ભાવ વદારો ના કરે અને લોકો વ્યાજબી કિંમતે મીઠાઇ ખરીદી શકે તેવું કરવું જોઇએ પણ પછી તો ભાવ તો વધારવો જ પડશે. \

અત્યારે 950થી 1200 રુપિયા સુધીનો બદામનો ભાવ
વડોદરાના અન્ય વેપારીએ અમિત લેખનાનીએ કહ્યું કે બહારથી ડ્રાયફૂટ આવે છે યુદ્ધના કારણે જલ્દી હાલ માલ આવતો નથી.તેથી ભાવ વધારો થયો છે. અત્યાર સુદી દરેક ડ્રાયફૂટ્સમાં 100થી 150 પ્રતિ કિલો ભાવ વધ્યો છે. બદામનો ભાવ પહેલા 850થી 1100 રુપિયાનો ભાવ હતો અત્યારે 950થી 1200 રુપિયા સુધીનો ભાવ છે કાજુમાં સાડા સાતસોથી 1300 રુપિયા હતો હાલ 850થી 1300 રુપિયાનો ભાવ છે. અંજીરમાં પણ ભાવ 1300 રુપિયા છે.
હાલ રક્ષાબંધન સુધી ગ્રાહકોને મોટી રાહત આપવાનો પ્રયાસ
એકંદરે ખાંડ બાદ ડ્રાયફ્રૂટના ભાવમાં આવેલા વધારાએ તહેવારની મીઠાશને મોંઘી બનાવી દીધી છે. વેપારીઓ હાલ રક્ષાબંધન સુધી ગ્રાહકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ત્યારબાદ વધેલા ખર્ચનો બોજ મીઠાઈના ભાવમાં દેખાય તેવી શક્યતા છે. હવે સરકારના ભાવ નિયંત્રણના પગલાંથી ખાંડ સસ્તી થાય છે કે નહીં અને ડ્રાયફ્રૂટના ભાવમાં રાહત મળે છે કે નહીં તેના પર મીઠાઈ વેપારીઓ અને ગ્રાહકો બંનેની નજર રહેશે.
આ પણ વાંચો : Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા
