કરજણ ને.હા 48ની કરજણ ધાવટ ચોકડી પરથી કરજણ નગરમાં પ્રવેશવાના સર્વિસ રોડ અગાઉ પડેલા ખાડાઓ વરસાદ પડતાં મસમોટા ખાડામાં રૂપાંતર થઈ જતાં રોજની અવરજવર કરતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.


મળતી માહિતી અનુસાર, કરજણે ને.હા.48 ઉપર આવેલું 93 ગામ ધરાવતો તાલુકો, નગર અને મુખ્ય મથક છે. જેના હાઇવે ઉપર આવેલ કરજણ-ધાવટ ચોકડી પરથી કરજણ નગરમાં તેમજ આમોદ, જંબુસર તેમજ પાદરા તાલુકા તરફ્ના ગામોમાં જવાતું હોય છે. ઉપરાંત વહીવટી માળખાની તમામ સરકારી કચેરી-શાખા આવેલી હોય રોજના હજારો વાહનોની અવરજવર આ કરજણ ધાવટ ચોકડી ઉપરના સર્વિસ રોડ ઉપર રહેતી હોય છે.

નગરમાં પ્રવેશવાના સર્વિસ રોડ ઉપર અડચણરૂપ જોખમી નાના મોટાં પડી ગયેલા ખાડાઓનું કહેવાતા જવાબદાર તંત્ર દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થતાં અહેવાલ બાદ મરામત સમારકામ કરાતું હોય છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા પુરવા બાબતે નક્કર અને કાયમી ધોરણની કામગીરી ન કરતા પુનઃ થોડા સમય બાદ ખાડા પડી જતાં હોય છે. આ ખાડાઓ હાલ કરજણ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને કારણે દૈનિક વાહનોની અવરજવરથી મસમોટા અને ઊંડા થયા છે.

જેને પગલે વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આજરોજ કરજણ નગર તરફ અંદર પ્રવેશવાના સર્વિસ રોડ ઉપર SBIની સામે એક લાકડા ભરેલો પિકઅપ ટેમ્પો મસમોટા ખાડામાં ખાબક્તાં તેને ખાડામાંથી બહાર કાઢવામાં મુશ્કેલી થઈ હતી. અન્ય વાહનની મદદ લઈ પિકઅપ ટેમ્પોમાં ભરેલા લાકડા ખાલી કરવા પડયાં હતા. આમ સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાને લઈને રોજના પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તંત્ર દ્વારા નક્કર અને કાયમી ધોરણે ગુણવત્તાસભર, જવાબદારીભરી કામગીરી કરી રોડ પરના અડચણરૂપ મસમોટા ખાડાઓનું સમારકામ કરે તેવી વાહનચાલકોની માગ ઉઠી છે.


  • Follow us on: