કવાટ તાલુકાના છોડવાણી ગામના ચાર આદિવાસી યુવાનોએ ગામના એક તૂટેલા છલિયા નાળાનો વિડીયો બનાવી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરાયા છે. છોડવાણીથી મોજરા ફ્ળિયા તરફ જતા રસ્તા પરના કોતર પર આ બાંધકામ ધારાસભ્યની 2024-25ની ગ્રાન્ટમાંથી નવું બનાવાયું છે. આ બાંધકામમાં પાયો જ બનાવવામાં આવ્યો નથી. પ્રથમ વરસાદમાં જ આખું બાંધકામ ધોવાઈ ને ખુલ્લુ થઈ ગયું છે. છોડવાણી ગામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપો સાથે યુવાનોએ વિડીયો બનાવી ઝુંબેશ ઉપાડી છે.
કવાટ તાલુકાના છોડવાણી ગામના નવ યુવાનો ભીલ રાગેશ ભાઈ,ભીલ તેરસિંગ ભાઈ, ભીલ નરેશ ભાઈ, ભીલ દિનેશ ભાઈ ચાર યુવાનો દ્વારા સંયુક્ત રીતે ગામના એક બાંધકામ નો વિડીયો બનાવવામાં આવ્યો છે. જેમાં આ કામની તકતી પણ મૂકેલી છે તે વીડિયોમાં નજરે પડે છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે અહીંની કાંકરા મિશ્રિત માટી જેવી રેતી નો પણ ઉપયોગ કરાયો છે. જોકે અહીં બીજી રેતી પણ છે. કાંકરા મિશ્રિત માટી જેવી રેતી તો સિમેન્ટ સાથે ચોંટી પણ ન શકે તેવી છે. વિડીયો વાયરલ કરનાર યુવાનો તેમાં જણાવી રહ્યા છે કે, આ બાંધકામમાં પાયો જ નાખવામાં આવ્યો નથી તો કોઈ બાંધકામ એમને એમ હવામાં કેવી રીતે ટકી શકે? છોડવાણી ગામને સ્માર્ટ વિલેજ કહેવામાં આવે છે. જોકે ગામમાં આવીને તમે જુઓ તો ખબર પડે કે સ્માર્ટ વિલેજ જેને કહેવામાં આવે છે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે? આ બાંધકામમાં આચરાયેલા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તપાસની માગ કરાઈ છે.










