ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો જેવા ગીતો માત્ર ગણપતિની પ્રતિમાની સ્થાપના સમયે પંડાલોમાં ગવાતા હોય છે. પરંતુ વિસર્જન બાદ એ પ્રતિમાઓની દુર્દશા ભક્તોને દુઃખી કરે તેવી હોય છે.


અનંત ચૌદસે ડેસર તાલુકાના મોટાભાગના ગામોના ગણપતિ મહીસાગર નદીમાં વિસર્જન કરાયા હતા. નદી બે કાંઠે વહેતી હતી તેનું પાણી ઉતરી જતા ગણપતિની ખંડિત મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રીઓના ઢગલા વરસડા મહી નદીના કિનારા ઉપર ખડકાઈ ગયા હતા. ઠેર ઠેર પવિત્ર પૂજાપો અને શ્રીજીની મૂર્તિઓની દયનિય સ્થિતિ જોઈ આસ્થા ધરાવતા શ્રદ્ધાળુના હૃદય દ્રવી ઉઠયા હતા.

દસ દિવસ સવાર સાંજ ગણપતિની આરતી કરી છેલ્લા દિવસે ઢોલ નગારા સાથે વિસર્જન કરવાનો શિરસ્તો દિવસે દિવસે વધી રહ્યો છે. જળ પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો વર્ષો પહેલા કોન્સેપ્ટ લવાયો હતો. પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તારના લોકો પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે મૂર્તિ પાણીમાં ઓગળતી નથી. કિનારા ઉપર પડી રહે છે. ત્યારે આપણને નરી આંખે જોઈ વિસર્જન કરવાવાળા ભક્તો ઉપર ધૃણા થાય છે કે, જ્યાં સુધી પંડાલમાં હતા. ત્યાં સુધી પછી કોઈને કંઈ પડી નથી. ડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમાર અને કોસ્ટેબલ રાહુલભાઈ સહિત જીઆરડીના 3 જવાનો મહીસાગર કિનારે ગણપતિની મૂર્તિઓ કિનારા ઉપર કાદવ કિચડમાં જોતા વેત કામે વળગી ગયા હતા. તમામ મૂર્તિઓ પૂજાપા ના ઢગલા સમગ્ર પુનઃ એક વખત મહીસાગર ના વહેતા વહેણમાં પધરાવી ખરા અર્થમાં વિસર્જન કરાયું હતું. વરસડા ડેસરના ગ્રામજનોએ પોલીસ કામગીરીને બિરદાવી હતી.


  • Follow us on: