શહેરમાં આવેલી આંગણવાડીઓમાં એકપણ IAS, IPS, IRS, ગેજેટેડ ઓફિસરો કે માલેતુજાર નેતાઓના છોકરા - છોકરીઓ ભણતાં નથી. એટલે, આંગણવાડીઓની દુર્દશા બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. માત્ર ગણીગાંઠી આંગણવાડીઓમાં ફોટોસેશન કરાવીને ફુલગુલાબી ચિત્ર રજૂ કરાઈ છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત' અને 'પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા' જેવા સ્લોગન માત્ર દિવાલોની શોભા વધારી રહ્યાં છે, તે સત્ય હકિકત છે. કારણ કે, આજે શહેરમાં આવેલી 439 આંગણવાડીઓમાંથી 167 આંગણવાડીઓની હાલત દયનિય છે, ત્યારે કેવી રીતે બાળકો ભણતાં હશે? તેની કલ્પના કરી શકાય છે.


શહેરમાં આવેલી 439 આંગણવાડીમાંથી 150 મોડલ આંગણવાડી બનાવવાની જાહેરાત વર્ષ 2024ના બજેટમાં કરાઈ હતી, પરંતુ આજે પણ આંગણવાડીઓની હાલત ખસ્તા છે. 439 માંથી 212 આંગણવાડી જ VMCની માલિકીની જગ્યામાં કાર્યરત છે. જ્યારે બાકીની 227 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં 6 હજારની મર્યાદામાં ભાડૂ નક્કી કરાયું છે. હવે, સરકારી કાર્યક્રમોમાં લખલૂંટ ખર્ચાઓ થાય છે, પરંતુ ગરીબ બાળકોને ભણાવવા માટે તમામ પ્રકારના કેલ્યુશન મંડાય છે. ખાસ તો આંગણવાડીઓ માટે CSR ફંડ મળે, તેની રાહ જોવાતી હોય છે. અલબત્ત, આંગણવાડીઓમાં બાળકોને સારી સુવિધા મળે, સારું શિક્ષણ મળે અને આરોગ્યપ્રદ ખોરાક મળે તેની જવાબદારી VMCના આરોગ્ય વિભાગ પાસે હતી, પરંતુ આ વિભાગ દ્વારા આંગણવાડીમાં ભણવા આવતાં બાળકો પ્રત્યે જોઈએ, તેવી લાગણી બતાવાઈ નથી. જેના કારણે છેલ્લા ઘણાં સમયથી 167 આંગણવાડીઓની હાલત દયનિય સ્થિતિમાં છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, 40થી વધુ આંગણવાડીઓમાં પાણીના જ ધાંધિયા છે. ક્યાંક પાણીના કનેક્શન જ નથી, તો ઘણી જગ્યાએ પાણીના કનેક્શન તૂટી ગયા છે. મોટરો બગડી જવાથી પણ પાણીની સમસ્યા છે. અમુક આંગણવાડીઓમાં ટેન્કરથી પાણી મંગાવવું પડે છે, તો પંખાના ઠેકાણાં નથી. આ સિવાય ટોઈલેટની ટાઈલ્સ, ગટર લાઈન, અંડર ગ્રાઉન્ડ ટાંકી, ગ્રીલ, ઓવર હેડ ટાંકી, ટોઈલેટ ટબ, બારણાં અને બારીના કાચ તૂટી ગયા છે. કેટલીક આંગણવાડીઓમાં તો છતમાંથી પાણી ટપકે છે. સલાટવાડામાં તો સ્બેલ તૂટી પડે, તેવી સ્થિતિ છે. શૌચાલયમાં ફ્લોરીંગ પણ કર્યા નથી. ક્યાંક અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી જ નથી, તો આંગણવાડીના ઓટલો તૂટી જતાં ખાડા પડી ગયા છે.હદ તો એ છે કે, સુભાનપુરામાં ફ્રેબીકેટેડ હાઉસમાં આંગણવાડી ચલાવાય છે.

બે વર્ષ પહેલા ખાતમુહૂર્ત કર્યા છતાં આંગણવાડીઓની કામગીરી અધૂરી

મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે? તે આંગણવાડીઓની હાલત પરથી જાણી શકાય છે. જાણીને આશ્ચર્ય થશે કે, કપુરાઈ, બાપોદ, તરસાલી, કિશનવાડી, વારસિયા અને સવાદ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 8 નવી આંગણવાડી બનાવવા માટેના કામોના સને 2023માં ખાતમૂર્હત કરાયા હતા. જેના કામ બે વર્ષે પણ પુરા થયા નથી. આજે પણ આ આંગણવાડીઓ ઘણી જગ્યાએ લાઈટ કનેક્શન નથી. મોટરો લાગી નથી. કંમ્પાઉન્ડ વૉલના ઠેકાણાં નથી. ક્યાંક વાઈરીંગ ખુલ્લું છે, તો બાળકો અવરજવર કરી શકે, તે માટેનો રસ્તો જ નથી. જ્યારે મે - 2025માં પેન્શનપુરામાં આંગણવાડીના કામનું ખાતમૂહર્ત કર્યા પછી કોઈ કામગીરી થઈ નથી.

શહેરમાં આવેલી આંગણવાડીઓમાં શું સમસ્યા છે?

34 આંગણવાડીમાં મેજર સમારકામની જરૂર

167 આંગણવાડીમાં જરૂરી સમારકામની જરૂર

9 નવી આંગણવાડીમાં અધુરૂ બાંધકામ

42 આંગણવાડીમાં પાણીના કનેક્શન નથી અથવા તૂટેલા છે

110 આંગણવાડીમાં ઈલેક્ટ્રીક કામના ધાંધિયા

85 આંગણવાડીમાં કંમ્પાઉન્ડ વૉલ, શેડ કે ગ્રીલ જ નથી

30 આંગણવાડીમાં ગ્રીલ નથી

15 આંગણવાડીમાં કંમ્પાઉન્ડ વૉલ નથી

4 આંગણવાડીમાં શેડ નથી

આ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં ભણતા બાળકોની સ્થિતિ દયનીય :

અકોટા, અટલાદરા, વારસિયા, દિવાળીપુરા, કપુરાઈ, એકતાનગર, માંજલપુર, ગોરવા, માણેજા, સુભાનપુરા, ગાજરાવાડી, જેતલપુર, સેવાસી, નવીધરતી, ફતેપુરા, ઉંડેરા, કરોડિયા, કિશનવાડી, બિલ, દંતેશ્વર, વડસર, ગોત્રી, તાંદલજા, સવાદ, ગોકુલનગર, સુદામાપુરી, બાપોદ, રામદેવનગર, છાણી, નવાપુરા, યમુનામીલ, તરસાલી અને વડદલા ખાતે આવેલી આંગણવાડીઓમાં ભણતા માસુમ બાળકોની હાલત સૌથી વધુ દયનિય છે. સરકાર લાખો - કરોડો રૂપિયાની ગ્રાંટ આપે છે, પરંતુ અધિકારીઓના પાપે બાળકોને સુવિધા મળતી નથી.

અધિકારીઓ-નેતાઓ એ.સી. વગર રહેતાં નથી, ભૂલકાંઓને પંખા પણ નસીબ નહીં.!

શહેરના જુદા - જુદા વિસ્તારોમાં આવેલી 100થી વધુ આંગણવાડીઓમાં લાઈટ, પંખા અને પાણીની મોટર બંધ હાલતમાં છે. ક્યાંક સ્વીચના બૅાર્ડ તુટેલા છે. ભૂલકાઓને પંખા પણ નસીબ થતાં નથી. બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદ એ.સી. વગર રહી શકતાં નથી. નેતાઓ અને અધિકારીઓ એ.સી. ઓફિસોમાં બેસી વહિવટ કરતાં હોવાથી આંગણવાડીઓની સ્થિતિ જોવાનો સમય તેમની પાસે નથી. કારણ કે, ત્યાં ગરીબોના બાળકો ભણવા આવે છે. આંગણવાડીની હાલત ખસ્તા કરવા પાછળ સસ્પેન્ડેડ આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલની સાથે કોર્પારેશનના જે તે વિભાગના અધિકારીઓ પણ તેટલા જ જવાબદાર છે.

બાળકો અભ્યાસ કરે છે, તેવી 41 આંગણવાડીઓની નજીકમાં જ વીજ થાંભલા

પાદરાના પાટડિયા હનુમાન રોડ ખાતે આવેલી સોસાયટીમાં તાજેતરમાં વીજ થાંભલા પરથી કરંટ ઉતરતાં વિદ્યાર્થીનું મોત થયું હતું. આવી ઘટનાઓ બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું થી. આજે શહેરની વાત કરીએ તો ગાજરાવાડી, માણેજા, કારેલીબાગ, ગોકુલનગર, બિલ, ભાયલી, તાંદલજા, અટલાદરા, નવાપુરા, તરસાલી, કપુરાઈ, કરોડિયા, દિવાળીપુરા, ઉંડેરા, ગોત્રી, સુદામાપુરી, કિશનવાડી, સુભાનપુરા, શિયાબાગ, નવાયાર્ડ જેવા વિસ્તારમાં 53 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં 41 આંગણવાડીની બિલકુલ નજીકમાં જ વીજ થાંભલા આવેલા છે. આ વીજ થાંભલા બાળકો માટે જોખમી છે, તેમ છતાં આ બાબતે VMC કે MGVCL ના અધિકારીઓ કોઈ ગંભીરતા દાખવતા નથી. શું કોઈ બાળક સાથે ઘટના બનશે પછી તંત્ર જાગશે? તે સવાલ છે.

ભાડાના જર્જરિત મકાનમાં ચાલતી 6 આંગણવાડી

શહેરના નવીધરતી, રામદેવનગર, સવાદ, કરોડિયા અને અટલાદરા ખાતે 6 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. આ મકાનની હાલત પણ જર્જરિત છે.


  • Follow us on: