શહેરના સયાજીબાગમાં રૂા. 1.20 કરોડના ખર્ચે બે પ્રવેશદ્વાર બનાવવાનું કામ આજે શુક્રવારે VMCમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરાયું હતું.સયાજીબાગ ઝુમાં પ્રવેશ કરવા માટે સહેલાણીઓને બાગનો અમુક વિસ્તાર પસાર કરી ઝુની ટિકીટ બારી સુધી આવવાનું થાય છે. જેથી દરેક ઝુનો સુંદર અને આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવે, તેવો સેન્ટ્રલ ઝુ ઓથોરિટીનો મત છે. જેના આધારે VMC હસ્તકના સયાજીબાગ ઝુમાં પ્રવેશદ્વાર બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરાઈ હતી. કન્સલ્ટન્ટ દ્વારા રૂા. 1.83 કરોડનો અંદાજ બનાવાયો હતો. જેમાં સિવિલ કામનો ખર્ચ રૂા. 8 લાખ થતો હતો.


જેથી રૂા. 1.75 કરોડના ખર્ચે GRC વર્કથી પ્રવેશદ્વાર બનાવવા VMCએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બે ઈજારદારના ભાવપત્ર આવ્યા હતા. જે પૈકી એલ-1 આવેલા ઈજારદાર અમિત ફાઈબર ડેકોરનું 31 ટકા ઓછા ભાવે રૂા. 1.20 કરોડનું ભાવપત્ર આવ્યું હતું.આ ઈજારદારને કામ આપવાની દરખાસ્ત અગાઉ સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી, પરંતુ કેટલાક સભ્યોએ આટલો બધો ખર્ચ પ્રવેશદ્વાર પાછળ કરવો ન જોઈએ, તેવી રજૂઆત કરી હતી. જેને લઈ તા. 12 સપ્ટેમ્બર 2025ના રોજ દરખાસ્ત મુલતવી કરાઈ હતી. આ દરખાસ્ત તાજેતરમાં ફરી એજન્ડામાં ચઢાવી હતી. દરમિયાન આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાતા હવે કમાટીબાગ ગેટ નં. 2 ખાતે ઈગલના શેપમાં આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. જ્યારે બીજો ગેટ બાલભવન તરફની એન્ટ્રી પાસે ઊભો કરાશે. નોંધનીય છે કે, કમાટીબાગમાં અંદાજે રૂા.100 કરોડના ખર્ચે એક્વેરિયમ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે.


  • Follow us on: