વડોદરાના વિશ્વપ્રસિદ્ધ 'યુનાઇટેડ વે' ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. ગરબા ગ્રાઉન્ડના સ્કેનિંગ વિભાગમાં કામ કરતા એક વિધર્મી યુવકે હિન્દુ નામે કાર્ડ ઇશ્યૂ કરાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટના બહાર આવતાં જ ગરબા ગ્રાઉન્ડ પર ભારે અફરાતફરી અને ઘર્ષણનો માહોલ સર્જાયો હતો.

બાતમી મળતાં બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા

મળતી માહિતી અનુસાર, આ બાબતની ચોક્કસ બાતમી મળતાં જ બજરંગ દળના સહ-સંયોજક સાઈકુમાર પિલ્લાઈ પોતાના કાર્યકર્તાઓ સાથે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા. સ્કેનિંગ વિભાગમાં શંકાસ્પદ હાલતમાં કામ કરી રહેલા યુવકની ચકાસણી કરતાં તેના પાસ/કાર્ડ પર હિન્દુ નામ દર્શાવેલું હોવાનું સામે આવ્યું હતું. બજરંગ દળના કાર્યકરોએ યુવકને પકડી પાડ્યો હતો.

વિધર્મી યુવકને પોલીસ હવાલે કરાયો

બજરંગ દળે આ યુવકને પકડીને તુરંત સ્થળ પર તૈનાત પોલીસ કાફલાને સોંપી દીધો હોવાનો દાવો કર્યો છે. ખોટી ઓળખ આપીને ગરબા ગ્રાઉન્ડના સંવેદનશીલ એવા સ્કેનિંગ વિભાગમાં પ્રવેશ મેળવવા પાછળ યુવકનો શું હેતુ હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો