વડોદરાના કમાટીબાગ ઝૂમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. ઝૂમાં હિપ્પોપોટેમસના પાંજરાનો ગેટ ખુલ્લો રહી જતાં કેટલાક સહેલાણીઓ હિપ્પોની એકદમ નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઝૂની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

બાળકો પણ હિપ્પોની નજીક પહોંચ્યા

વાયરલ વીડિયોમાં કેટલાક સહેલાણીઓ હિપ્પોની નજીક જોવા મળી રહ્યા છે. તેમાં બાળકો પણ હિપ્પોની એકદમ નજીક પહોંચ્યા હોવાનું દેખાય છે. હિપ્પો અને સહેલાણીઓ વચ્ચે કોઈ અંતર ન રહેતાં મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

ખોરાક આપ્યા બાદ ગેટ બંધ કરવાનું રહી ગયું હોવાની આશંકા

પ્રાથમિક આશંકા મુજબ, હિપ્પોને ખોરાક આપવા માટે પાંજરાનો ગેટ ખોલવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને બંધ કરવાનું રહી ગયું હતું. આ બેદરકારીને કારણે સહેલાણીઓ હિપ્પોની નજીક પહોંચી શક્યા હતા.

ભૂતકાળમાં ગાર્ડ પર થયો હતો હુમલો

નોંધનીય છે કે ભૂતકાળમાં આ જ સ્થળે હિપ્પોએ સુરક્ષા ગાર્ડ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અગાઉની આ ગંભીર ઘટના બાદ પણ પાંજરાનો ગેટ ખુલ્લો રહી જવાની ઘટના સામે આવતાં ઝૂની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. 


આ પણ વાંચો :   Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ