વડોદરા શહેરના વડસર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલી જૂથ અડફત અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને અટલાદરા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા કુલ 9 આરોપીઓની ધડપકડ કરી લીધી છે, જેમાં 5 સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. અટલાદરા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસે ઘટનાસ્થળ નજીક જ કાન પકડીને ઉઠબેસ કરાવી જાહેરમાં માફી મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.
મુખ્ય 4 આરોપીઓની પણ અટકાયત
અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને વુડા (VUDA) ના મકાનોમાં રહેતા મુખ્ય ચાર પુખ્ત વયના આરોપીઓ બિહારી કેસરી, સંદીપ વાઘેલા, સચિન જાદવ અને અનિકેત કેસરીની વિધિવત ધરપકડ કરી છે. આ સિવાય ગુનામાં સામેલ 5 સગીરો સામે પણ કાયદાકીય જોગવાઈ મુજબ બાળ અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ વીડિયોમાં આરોપીઓ જે રીતે હિંસક વર્તન કરી રહ્યા હતા તે જોતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસની આ આકરી કાર્યવાહીથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
