શહેર નજીક આવેલા બાજવા ગામના 5 હજાર નાગરિકોને રોજિંદુ પાણી પુરૂ પાડતી ટાંકીની હાલત અત્યંત જર્જરિત બની છે. આ ટાંકી ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હોવાથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પણ ખાલી કરાવાઈ છે.
બાજવા ગ્રામ પંચાયતના સભ્ય હિતેન્દ્ર ખાંડવીએ જણાવ્યું હતું કે, બાજવામાં લગભગ 50 વર્ષ પહેલા સ્થાનિક અગ્રણી ખોડાભાઈ રાઠોડે પાણીની ટાંકી બનાવડાવી હતી. આ ટાંકીમાંથી આજે પણ પાણી લીકેજ થતું નથી, પરંતુ 12 વર્ષ પહેલા સરકારના પાણી પુરવઠા વિભાગે બનાવેલી ટાંકી જર્જરિત થઈ ગઈ છે. ટાંકીમાંથી 24 કલાક પાણી લીકેજ થાય છે, પ્લાસ્ટર ખરી પડતાં સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકી પડૂપડૂ હોવાથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પણ ખસેડવી પડી છે. હવે, ટાંકી પાસે સ્કુલ પણ ચાલે છે. જેને લઈ બાળકો માથે જોખમ ઉભું થયું છે.આ બાબતે અરજીઓ આપી, છતાં કોઈ ધ્યાન આપતું નથી. વાઘોડિયાના ધારાસભ્યએ કલેક્ટર કચેરીમાં મળેલી સંકલનની બેઠકમાં પણ પાણીની ટાંકીનો મુદ્દો ઉઠાવ્યો હતો, તે પછી પણ તંત્ર દ્વારા કોઈ દાદ આપવામાં આવી નથી. સભ્યએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ નવી ટાંકી બની હતી, ત્યારે ગ્રામ પંચાયતના સભ્યોએ પાણી નાંખી ચેક કરાવી હતી. તે વખતે ટાંકી લીકેજ જણાઈ હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટરને રૂપિયાનું ચુકવણું કરાયું હતું.










