અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ અને ઘર કંકાસે એક મહિલાનો ભોગ લીધો છે. વટવાના વસંત ગજેન્દ્ર ગડકરનગર ખાતે આવેલા ચાર માળીયા મકાનમાં રહેતા મહેમુદ ભાટી અને તેમની પત્ની મહેરાજબાનુ વચ્ચે છેલ્લા બે વર્ષથી અણબનાવ અને તકરાર ચાલી રહી હતી.
છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
શનિવારે સવારના સુમારે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવી ગયેલા આરોપી મહેમુદભાઈ ભાટીએ પોતાની જ પત્ની મહેરાજબાનુ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ મહેરાજબાનુના બંને હાથ તેમજ જમણી બાજુના પડખાના ભાગે છરીના આડેધડ ઘા મારી દીધા હતા. હુમલાને કારણે ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સ્વજનો દ્વારા સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડ્યો
આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચાર માળીયા વિસ્તારમાંથી જ આરોપી મહેમુદભાઈ ભાટીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નિવૃત્ત છે અને અગાઉ રિક્ષા ચલાવતો હતો, જ્યારે તેનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પણ સામે આવ્યું છે.

40 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત
લગભગ 40 વર્ષના લાંબા લગ્નજીવન બાદ અચાનક સર્જાયેલા આ વિવાદે આખો પરિવાર ઉજડી નાખ્યો છે. હાલ તો વટવા પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ અને આંતરિક કારણ શું હતું તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: AMCની ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ, 20 એકમો સીલ, 153ને નોટિસ