સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વો અને નાગરિકોમાંથી કાયદા-વ્યવસ્થાનો ડર સાવ ઓસરી ગયો હોય તેવો વધુ એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને શાકભાજીની લારી ચલાવતા શખ્સે એક આધેડ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. લારી ચાલકે આચરલે દાદાગીરી અને હિંસક કૃત્યના સમગ્ર દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સામાન્ય ટકોર બાબતે આધેડ પર હુમલો
શાકભાજી વાળાની લારી રસ્તા પરથી પસાર થતી વખતે અકસ્માતે એક આધેડના પગ પર ચડી ગઈ હતી. આ બાબતે આધેડે લારી ચાલકને ધ્યાનથી લારી ચલાવવા માટે સામાન્ય ટકોર કરી હતી. આટલી વાતમાં ઉશ્કેરાઈ ગયેલા લારી વાળાએ તમામ મર્યાદાઓ ઓળંગીને આધેડ સાથે ગાળાગાડી કરી હતી અને ત્યારબાદ તેમના પર લાકડી કે ફટકા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 20 જેટલા ટાંકા આવ્યા હતા.
