વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત વડોદરાના વાઘોડિયા નજીક સર્જાયો હતો. વાઘોડિયાના ડંખેડા-તવરા રોડ પર એક બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, જોઈને સ્થાનિક લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
ડમ્પર નીચે બાઈક સાથે દંપતી કચડાયું
ઘટનાની મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના ડંખેડા ગામના રહેવાસી પતિ-પત્ની પોતાના મોટરસાયકલ પર સવાર થઈને ડંખેડા-તવરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પતિ-પત્ની બાઈક સાથે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે ફસાઈ ગયા હતા. ડમ્પર નીચે કચડાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ થતાં દંપતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.













