વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના વિવાદિત પ્લોટ અંગે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસે મહત્વનું નિવેદન આપ્યું છે. પ્લોટ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત પર આગામી શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે અને ત્યારબાદ સામાન્ય સભામાં નિર્ણય થશે. તેમણે જણાવ્યું કે સરકારે આપેલી ગિફ્ટ જેટલી જમીન મહાનગરપાલિકાને આપવી પડશે.
પ્લોટ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત
વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ પ્રકરણમાં પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસે સત્તાવાર પ્રતિક્રિયા આપીને મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે પ્લોટ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરના માધ્યમથી વિધિવત દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ આવી છે.
દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી
આ સમગ્ર વિષય પર રાજ્ય સરકાર દ્વારા અગાઉ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે ઠરાવને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનરે હવે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી આપી છે. આગામી શુક્રવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાયા બાદ આ દરખાસ્ત પાલિકાની સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાની બેઠકમાં સમગ્ર વિષય પર વિસ્તૃત ચર્ચા કરીને આખરી નિર્ણય કરવામાં આવશે.
દેશ માટે ક્રિકેટ રમ્યા હોવાથી સરકારની ભેટ : વર્ષા વ્યાસ
સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસે જણાવ્યું કે યુસુફ પઠાણ દેશ માટે ક્રિકેટ રમ્યા હોવાથી સરકાર તરફથી જમીન ગિફ્ટમાં આપવામાં આવી હતી. રાજ્ય સરકારે જેટલી જમીન ગિફ્ટમાં આપી છે, તેટલી જમીન પાલિકાને આપવી પડશે. મહાનગરપાલિકાને જમીન પરત આપવાની શરત આ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કમિશનરની દરખાસ્તના આધારે હવે આગામી શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં થનારા નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે.
આ પણ વાંચો ; Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..