ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ વચ્ચે વલ્લભીપુર તાલુકાના 53 ગામના સરપંચોએ એકજુથ થઈને સરકારના ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે અને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વલ્લભીપુર તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા) એ ખેડૂતોના તૈયાર પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને અન્નદાતાના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે.


કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન

સરપંચોનું કહેવું છે કે, આટલી મોટી તારાજી સર્જાઈ હોવા છતાં સરકાર દ્વારા માત્ર ડિજિટલ સર્વે કરાવવામાં આવી રહ્યો છે. આ સર્વેની પદ્ધતિથી નુકસાનની પૂરતી ભરપાઈ થઈ શકશે નહીં તેવો રોષ ખેડૂતો અને સરપંચોમાં છે. આ વિરોધના ભાગરૂપે 53 ગામના સરપંચોએ ગામ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર પેડ પર પત્ર લખીને પોતાની રજૂઆત કરી છે અને સર્વેનો બહિષ્કાર કર્યો છે.

સરપંચો દ્વારા મુખ્યત્વે બે મુખ્ય માગણીઓ 

તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવે. ૨. વલ્લભીપુર તાલુકામાં થયેલા નુકસાનને 'લીલો દુષ્કાળ' જાહેર કરી ખેડૂતોને પૂરતી અને તાત્કાલિક સહાય આપવામાં આવે. વલ્લભીપુર તાલુકાના આંદોલનકારી સરપંચોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની આ માગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ડિજિટલ સર્વેમાં સહકાર નહીં આપે.

  • Follow us on: