ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામેની કાર્યવાહીના ભાગરૂપે, વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે વાપી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ ઈસમ પાસપોર્ટ અને વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશીને વસવાટ કરી રહ્યો હતો.
વલસાડ SOGએ બાંગ્લાદેશી નાગરિકને ઝડપ્યો
SOGની ટીમ વાપી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ફારૂક શેખ નામનો એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી ત્યારે તે હિન્દી ભાષામાં ઉડાઉ અને ગેરમાર્ગે દોરનારા જવાબો આપી રહ્યો હતો, જેના કારણે પોલીસને તેની પર શંકા વધુ દૃઢ થઈ હતી.
બાંગ્લાદેશી ID કાર્ડથી થઈ ઓળખ
સઘન પૂછપરછ અને તપાસના અંતે, આરોપીએ આખરે પોતાનું સાચું નામ મહંમદ ફારૂક હુસૈન મીયા (ઉંમર 40 વર્ષ) હોવાનું કબૂલ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે મૂળ બાંગ્લાદેશના બ્રાહમનબારીયા વિસ્તારનો રહેવાસી છે. પોલીસને પકડાયેલા આ ઈસમ પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું હતું, જેના પરથી તેની બાંગ્લાદેશી નાગરિક તરીકેની ઓળખની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. સ્પષ્ટ થયું હતું કે તે કોઈપણ કાયદેસર દસ્તાવેજ (પાસપોર્ટ કે વિઝા) વગર ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો.
ફારૂક શેખ નામના શખ્સની પોલીસે કરી અટકાયત
વલસાડ SOGની ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે તેને દેશનિકાલ (Deport) કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઓળખ કરવા માટે SOG દ્વારા આ પ્રકારની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.









