વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો નેશનલ હાઈવે 56 પરનો માન નદીનો કરંજવેરી ગામનો બ્રિજ અંદાજિત 50 વર્ષ પહેલા બન્યો હતો, જે વાપીથી શામળાજીને જોડે છે. તેમજ આ હાઈવે પરથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતને અન્ય જિલ્લામાં જવા માટે ટ્રાન્સપોર્ટ વાહનો ઉપયોગ કરે છે, જે બ્રિજ અત્યંત જર્જરિત થવા આવ્યો છે.
અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી
થોડા દિવસો પહેલા આ બ્રિજ પર બોકારું પણ પડ્યું હતું અને હાલ આ બ્રિજ પર ખાડા પણ પડ્યા છે, ભારે વાહનો માટે આ બ્રિજ છેલ્લા 10 દિવસથી બંધ છે, ત્યારે બ્રિજ નીચે વૃક્ષો ઉગી નીકળ્યા છે. તેમજ નીચે પણ ખરાબ થયો છે. તેમજ બ્રિજની રેલિંગ પણ જર્જરિત થઈ છે, સ્થાનિક તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ 2019થી લેખિત રજુઆત કરી રહ્યા છે, છતાં અધિકારીઓનું પેટનું પાણી હલતુ નથી, ત્યારે લોકોની એજ માગ છે કે બ્રિજ બાબતે તંત્ર જાગે એની જાળવણી કરે અને સુધારો કરે અને ચકાસણી કરીને બ્રિજનું રીપેરીંગ કામકાજ શરૂ કરે.
વડોદરાના ડેસરમાં પણ મેસરી નદી ઉપરના બ્રિજની ખસ્તા હાલત
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અજબપુરા સિહોરાને જોડતા મેસરી નદી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, આજે તૂટે કાલે તુટે તે હાલત થવા પામી હતી ઘણી રજૂઆતો બાદ ખખડધજ બ્રિજની બાજુમાં નવીન બ્રિજ સરકારે મંજૂર કરી બનાવાયો છે. જ્યારે સાવલી ઉદલપુર 39 કિલોમીટરનો માર્ગ રાજ્ય સરકારે ડબલ માર્ગ મંજૂર કરાતા બાજુના જુના ખખડધજ બ્રિજની પણ મરામત કરાઈ રહી છે, સ્થાનિક પ્રજા એવું જાણતી હતી કે બાજુનો બ્રિજ પણ નવીન બાંધકામ કરીને બનાવાશે. પરંતુ ખખડધજ બ્રિજની રેલીંગો બ્રિજ ઉપરના સ્લેબ ઉપર આવેલું ત્રણ ઈંચનું લેયર ઉખેડી નાખીને તેના ઉપર નવીન કામગીરી કરાઈ રહી છે એટલે કે 60 વર્ષ જુના સડી ગયેલા સળિયા અને બ્રીજના જુના સ્લેબ અને પિલ્લર ઉપર કામગીરી કરીને કામ આટોપી લેવાની તૈયારીઓ ચાલી રહી છે, આજે મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો અને જાનહાનિ થઈ ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારે પણ આવી મોટી દુર્ઘટનાની રાહ જોવાની છે?









