ઓક્ટોબર મહિના દરમિયાન વલસાડ જિલ્લામાં થયેલા અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને, જિલ્લાના મુખ્ય પાક એવા ડાંગરના પાકને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.


 સર્વે અને સહાયની પ્રક્રિયા

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ ડાંગર વાવેતર 73,766 હેક્ટર વિસ્તાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર 51,230 હેક્ટર છે. જિલ્લાના કુલ 469 ગામો અસરગ્રસ્ત થયા છે. 19,165 ખેડૂતોને સીધી અસર પહોંચી છે.સરકાર દ્વારા નુકસાનનો સર્વે કરવા અને ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નુકસાનના સર્વે માટે કુલ 16 ટીમોની રચના કરવામાં આવી છે.

વલસાડમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન 

અત્યાર સુધીમાં 31,409 હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. 33 ટકા અથવા તેથી વધુ પાક નુકસાન થયેલા વિસ્તારનું કુલ પ્રમાણ 12,518 હેક્ટર નોંધાયું છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ ફંડ) હેઠળની જોગવાઈ મુજબ સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓની સમીક્ષા કરી છે અને વહેલી તકે સહાય પહોંચાડવાની ખાતરી આપી છે.

  • Follow us on: