પ્રસિદ્ધિથી દૂર રહીને પણ લાખો લોકોના હૃદય સુધી પહોંચી શકાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત અને વિદેશના લાખો અનુયાયીઓ માટે તેઓ એવા સંત છે, જેમની ઓળખ પ્રચાર કે પ્રસિદ્ધિ નહીં, પણ અધ્યાત્મ, આત્મસાક્ષાત્કાર અને સેવા છે.
26 સપ્ટેમ્બરે તેઓ 60 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે 25 અને 26 સપ્ટેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'અહો ગુરુદેવ: 60 યર્સ ઑફ એન એન્લાઇટન્ડ એગ્ઝિસ્ટન્સ' નામે ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે, જેમાં આશરે 23 દેશોમાંથી હજારો સાધકો ઉપસ્થિત રહેશે. ઉજવણી ભલે મુંબઈમાં થાય, પણ આ સમગ્ર યાત્રાનું હૃદય ધબકે છે વલસાડ જિલ્લાના ધરમપુરમાં.
આઠ વર્ષની વયે ત્રણ દિવસનું ધ્યાન
પૂજ્ય ગુરુદેવ શ્રીનો જન્મ 26 સપ્ટેમ્બર, 1966 ના રોજ મુંબઈમાં એક ધર્મનિષ્ઠ જૈન પરિવારમાં થયો. માતા રેખાબહેન અને પિતા દિલીપભાઈ ઝવેરીના આ પુત્રનો અધ્યાત્મ તરફનો ઝુકાવ બાળપણથી જ દેખાતો હતો. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરમાં કહેવાતી વાતો મુજબ, તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા અને માત્ર આઠ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજીનું ચિત્ર જોઈને સતત ત્રણ દિવસ ગહન ધ્યાનમાં રહ્યા હતા.
આ જિજ્ઞાસા સમય જતાં ભારતીય અધ્યાત્મ દર્શન અને શ્રીમદ્જીના બોધના ઊંડા અભ્યાસમાં પરિણમી. શ્રીમદ્જી રચિત 142 ગાથાના 'આત્મસિદ્ધિશાસ્ત્ર' પર તેમણે ડૉક્ટરેટ સંશોધન કર્યું, અને એ જ ગ્રંથ આગળ જતાં મિશનનો દાર્શનિક પાયો બન્યો.
સરળ ભાષામાં ગહન બોધ
ગુરુદેવ શ્રીનું કાર્યક્ષેત્ર પ્રચાર નહીં, પ્રવચન અને ધ્યાન રહ્યું છે. ભક્તો કહે છે કે તેઓ શાસ્ત્રની ગહન વાતોને રોજબરોજના જીવનમાં ઉતારી શકાય એવી સરળ ભાષામાં સમજાવે છે.
તેમના બોધનું હાર્દ એક જ વાત છે: સાચા સુખની શોધ બહાર નહીં, અંદરથી શરૂ થાય છે. આત્મસાક્ષાત્કાર, જાગૃતિ, વૈરાગ્ય અને કરુણા તેમનાં પ્રવચનોના કેન્દ્રમાં રહે છે. કદાચ એટલે જ ડૉક્ટર, ઉદ્યોગપતિ, વિદ્યાર્થી કે ગૃહિણી—દરેક વયજૂથ અને વ્યવસાયના લોકો તેમને સાંભળવા ખંડો પાર કરીને આવે છે.
ધરમપુર: જ્યાંથી આ યાત્રા શરૂ થઈ
ધરમપુર સાથેનો આ સંબંધ એક સદી કરતાં પણ જૂનો છે. 1900માં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ અહીં આશરે ૩૫ દિવસ ગાળ્યા હતા, મોટેભાગે એકાંત સાધનામાં.
એક સદી પછી, 2001માં ગુરુદેવ શ્રીએ એ જ પાવન ભૂમિ પર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરી. આજે 355 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં શ્રીમદ્જીની 34 ફૂટ ઊંચી પ્રતિમા બિરાજમાન છે અને દેશ-વિદેશના સાધકો માટે એ તીર્થધામ બન્યું છે. મિશન આજે છ ખંડોમાં 136થી વધુ કેન્દ્રો સુધી વિસ્તર્યું છે, છતાં તેનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય આજે પણ ધરમપુર જ છે.
અધ્યાત્મની સાથે સેવા
ગુરુદેવ શ્રી માટે અધ્યાત્મ અને સેવા બે અલગ વાતો નથી. મિશનની માનવસેવા શાખા 'શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર' દ્વારા આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પશુકલ્યાણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે બે દાયકાથી વધુ સમયથી કામ ચાલે છે, અને તેનો સૌથી મોટો લાભ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાને મળ્યો છે.
આનું સૌથી દૃશ્યમાન ઉદાહરણ છે ધરમપુરની 250 પથારીની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, જ્યાં ગ્રામીણ અને આદિવાસી પરિવારોને વિનામૂલ્યે અથવા ખૂબ રાહત દરે અત્યાધુનિક સારવાર મળે છે. આદિવાસી બાળકો માટે શૈક્ષણિક પહેલ ચાલે છે અને આસપાસનાં સેંકડો ગામોના વિદ્યાર્થીઓ ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે વિજ્ઞાન કૉલેજ પણ શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બર 2025માં ધરમપુરમાં 'શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઑફ એક્સેલન્સ ફૉર વિમેન'નું ઉદ્ઘાટન થયું, જ્યાં ગ્રામીણ બહેનોને વ્યવસાયિક તાલીમ અને બાળસંભાળની સુવિધા મળે છે. અબોલ જીવોની સંભાળ માટે પણ અલગ વ્યવસ્થા છે.
આ કાર્યની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. 2020માં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)માં વિશેષ સલાહકાર દરજ્જો મળ્યો હતો.
ઉત્સવ પણ, સંકલ્પ પણ
આ ઉજવણીને માત્ર જન્મદિવસના કાર્યક્રમ તરીકે નહીં, પણ છ દાયકાની સાધના અને સેવાના ઉત્સવ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. 'વિવેક, વૈરાગ્ય અને વૈભવ' વિષય પર ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાશે અને બે દિવસ દરમિયાન 60 પહેલની જાહેરાત થશે: 30 આધ્યાત્મિક અને 30 સેવાકીય.
બે મોટાં આરોગ્ય અભિયાનોનો પ્રારંભ થશે. એક નેત્રસંભાળ અભિયાન, જેમાં આંખની તપાસ અને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ થશે; બીજું એનિમિયા સામેનું અભિયાન, જેમાં જાગૃતિ, નિદાન અને સારવારનો સમાવેશ છે. બીજા દિવસે વિશ્વના વિવિધ દેશોના ઉચ્ચ શિક્ષિત યુવા સાધકો 'આત્માર્પિત દીક્ષા' અંગીકાર કરશે અને આજીવન સાધના, બ્રહ્મચર્ય તથા સેવાનું વ્રત લેશે.
સમાપન સાંજે ગુરુદેવ શ્રીના જીવન પર આધારિત સંગીતમય પ્રસ્તુતિ રજૂ થશે, જેની તૈયારી અને રજૂઆતમાં આશરે ૬૦૦ ભક્તો જોડાયા છે. તેમની યાત્રાને આલેખતા એક સ્મૃતિ-ગ્રંથનું વૈશ્વિક વિમોચન પણ થશે.
ઉજવણી ફરી ગુજરાત આવશે
મુંબઈનો કાર્યક્રમ તો વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત માત્ર છે. ત્યારબાદ દુબઈ, લંડન, ટોરોન્ટો અને લૉસ એન્જલસ સહિતનાં શહેરોમાં કાર્યક્રમો યોજાશે. 9 જાન્યુઆરી, 2027ના રોજ અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમ સાથે આ ઉજવણી ફરી ગુજરાતની ધરતી પર આવશે.
મુંબઈના ધ્યાનમગ્ન બાળકથી લઈને વૈશ્વિક આધ્યાત્મિક અને માનવસેવા આંદોલનના સંસ્થાપક સુધીની આ છ દાયકાની યાત્રા બે શબ્દોમાં સમાઈ જાય છે: સાધના અને સેવા. અને જ્યારે હજારો લોકો મુંબઈમાં એકત્ર થશે, ત્યારે તેઓ એ યાત્રાને વંદન કરશે, જે ધરમપુરના એક ડુંગરથી શરૂ થઈને આજે વિશ્વભરનાં ઘરો સુધી પહોંચી છે.
