વલસાડ જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે 48 પર વરસાદના કારણે પડેલા ખાડાઓને લઈને ગંભીર નોંધ લીધી છે. તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને 10 દિવસની અંદર તમામ ખાડાઓ પૂરીને સમારકામ પૂર્ણ કરવાનો કડક આદેશ આપ્યો છે.
કલેક્ટર દ્વારા સ્પષ્ટ ચેતવણી
મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ 10 દિવસની સમયમર્યાદામાં ખાડા પુરવાનું અને સમારકામનું કાર્ય પૂર્ણ નહીં થયા તો જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
વાહન ચાલકોને ભારે હાલાકી
વલસાડ જિલ્લામાંથી પસાર થતા NH-48 પર ચોમાસાના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે આ તાત્કાલિક અને કડક પગલાં ભર્યા છે. આ આદેશથી નેશનલ હાઈવે પરની ખરાબ સ્થિતિમાં સુધારો થશે અને વાહનચાલકોને મુશ્કેલીમાંથી રાહત મળશે તેવી અપેક્ષા છે.









