દમણના દરિયાકિનારે નાહવા પડેલી 7 વર્ષની એક માસૂમ બાળકી સાથે મોટી દુર્ઘટના ઘટતાં અટકી હતી. દમણના દરિયામાં નાહતી વખતે અચાનક આવેલાં ભયંકર મોજાંના લીધે બાળકી અસંતુલિત થઈ ગઈ હતી અને પાણીના તીવ્ર પ્રવાહમાં અંદરની તરફ તણાવા લાગી હતી. બાળકીને દરિયામાં ઊંડે ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
લાઈફ ગાર્ડ સુજલ માંગેલાની સતર્કતાથી મળ્યું નવજીવન
બાળકી જ્યારે ભયંકર મોજાંની વચ્ચે જીવ બચાવવા મથી રહી હતી, ત્યારે દરિયાકાંઠે તૈનાત લાઈફ ગાર્ડ સુજલ માંગેલાની નજર તેના પર પડી હતી. સુજલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની સતર્કતા અને હિંમત દર્શાવી દરિયાના ઉછળતા મોજાંમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે ભારે મુશ્કેલીઓ અને મોજાંના થપેડા વચ્ચે બાળકી સુધી પહોંચીને તેને સલામત રીતે દરિયાની બહાર ખેંચી કાઢી હતી.
