ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વલસાડ જિલ્લાના વાપી ખાતે એક મોટી કાર્યવાહી કરીને ₹30 કરોડની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને તેની ફેક્ટરી ઝડપી પાડી છે. ATSની આ સફળ કામગીરીમાં ડ્રગ્સના ઉત્પાદન અને સંગ્રહના મુખ્ય સ્થળનો પર્દાફાશ થયો છે, જેણે ગુજરાત અને મુંબઈના ડ્રગ્સ નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.



6 કિલો ડ્રગ્સ અને 300 કિલો રો-મટિરિયલ જપ્ત

ગુજરાત ATSએ દમણ પોલીસની મદદથી વાપીમાં ઓપરેશન પાર પાડ્યું હતું. ATSના જણાવ્યા મુજબ, વાપીમાં ડ્રગ્સનું સ્ટોરેજ કરવામાં આવ્યું હતું, જ્યાંથી 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹30 કરોડ આંકવામાં આવી છે. આ ઉપરાંત, ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 300 કિલો રો-મટિરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.


બે આરોપીઓની ધરપકડ, માસ્ટર માઇન્ડ ફરાર

ATSએ આ ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધારો પૈકીના એક આરોપી મોહન પાલીવાલની ધરપકડ કરી છે. મોહન પાલીવાલ પૂર્વે પણ NCBના બે ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં પેરોલ પર બહાર આવ્યો હતો. જોકે, આ કેસનો માસ્ટર માઇન્ડ મહેુલ ઠાકુર અને ડ્રગ્સ બનાવનાર કેમિસ્ટ વિવેક બલવિન્દર રાય સહિતના બે આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દમણ પોલીસની મદદથી ફેક્ટરી પકડી પાડી

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનું ઉત્પાદન 3થી 4 મહિનાથી ચાલી રહ્યું હતું, અને તેનું મુંબઈમાં વેચાણ કરવાનું પ્લાનિંગ હતું. આ ગેંગનું એક ફાર્મહાઉસ દમણમાં બામણપુરા સર્કલ પાસે પણ આવેલું હોવાનું ખુલ્યું છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે. ગુજરાત ATS દ્વારા આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Follow us on: