વાપી શહેરની હરિયા હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ તેના સબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સાથે ધક્કામુક્કી પણ કરી હતી. આ મામલો એટલો વકર્યો હતો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
રોષે ભરાયેલા ટોળાએ ડોક્ટરો સાથે કરી ધક્કામુક્કી
હોસ્પિટલમાં અકસ્માત બાદ સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો અને સબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો કે યોગ્ય સારવારના અભાવે દર્દીનું મોત થયું છે. રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર, ડો. શિંગ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેમને ધક્કે ચઢાવ્યા હતા.
પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી
હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં ટોળું ઘૂસી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. આખરે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા હતા. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલની બેદરકારી અંગેના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે.