ગુજરાતનું નામ દેશ-દુનિયામાં રોશન કરનાર અને ડાંગની 'ગોલ્ડન ગર્લ' તરીકે જાણીતી પ્રસિદ્ધ એથ્લીટ સરિતા ગાયકવાડ સાથે એક ગંભીર આર્થિક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી દ્વારા રેતીના વેપારમાં રોકાણ કરાવવાના બહાને સરિતા ગાયકવાડ સાથે મોટી ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે પીડિત ખેલાડી સરિતા ગાયકવાડે આહવા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સમક્ષ પહોંચીને સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નિતિનભાઈ ભારતી સામે ગંભીર આરોપ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી નિતિનભાઈ બાબુભાઈ ભારતી દ્વારા સરિતા ગાયકવાડને રેતીના વેપારમાં નાણાં રોકવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું. આરોપીએ દર મહિને 4 ટકા જેટલો ભારે નફો (વળતર) આપવાની લાલચ આપીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. આ પ્રલોભનમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ અંદાજે રૂ. 69,10,059 (ઓગણસિત્તેર લાખ દસ હજાર ઓગણસઠ રૂપિયા) જેટલી મસમોટી રકમ આરોપી દ્વારા મેળવી લેવામાં આવી હતી. લાંબો સમય बीतવા છતાં નફો કે મૂળ રકમ પરત ન મળતા આખરે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ખેલ જગતમાં ભારે રોષ અને ચર્ચા વ્યાપી

એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીતનારી ગૌરવવંતી ખેલાડી સાથે જ આ પ્રકારે વિશ્વાસઘાત થવાથી સમગ્ર ખેલ જગત અને ડાંગ જિલ્લામાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાઈ ગયું છે. આહવા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ અને નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બેંક ખાતાઓની વિગતો મેળવીને તપાસ કરવામાં આવી રહી છે કે આ નાણાં ક્યાં વાપરવામાં આવ્યા અને આ કૌભાંડ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

આ પણ વાંચો : Suratમાં કાપડ વેપારી સાથે 5.50 લાખની છેતરપિંડીનો પર્દાફાશ, સારોલી પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ